Saturday, August 8, 2026
Homeરાજ્યજામનગરઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જી.જી. હોસ્પિટલમાં 1.45 કરોડથી વધુના સાધનો અને...

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જી.જી. હોસ્પિટલમાં 1.45 કરોડથી વધુના સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ – VIDEO

હોસ્પિટલ ખાતે કેન્સરના સચોટ નિદાન માટે સોનોગ્રાફીનું વી-7 મોડેલ અને ફ્લો સાયટોમેટ્રી મશીન કાર્યરત કરાયું : પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે 20 ની ક્ષમતા ધરાવતો નવો એક્ઝામિનેશન હોલ ખુલ્લો મુકાયો

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અને તબીબી શિક્ષણને વેગ આપતી વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી દ્વારા અર્પણ કરાયેલ રૂ. 70 લાખની કિંમતનું સોનોગ્રાફીનું વી-7 મોડેલ એ અતિ આધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીન છે, જે શરીરના લગભગ બધા જ અંગોની તપાસ માટે અનુકૂળ છે અને કેન્સરના દર્દીઓ માટે વિવિધ પ્રકારની ગાંઠનું આબેહૂબ ચિત્ર નિરૂપણ કરી શકે છે, જેમાં જુદી જુદી તપાસ માટે 6 વિશેષ પ્રોબ પણ પ્રાપ્ત થયેલ છે.

- Advertisement -

આ સાથે જ આરોગ્ય સેવાઓમાં વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો કરતા દર્દીઓને વધુ ઝડપી, ચોક્કસ અને આધુનિક નિદાન સેવા મળી રહે તે હેતુથી રૂ. 75 લાખના ખર્ચે નવીનતમ ફ્લો સાયટોમેટ્રી મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ એક એવી આધુનિક લેબોરેટરી ટેકનોલોજી છે જેની મદદથી રક્ત તથા અન્ય નમૂનાઓમાં રહેલા કોષોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક વિશ્લેષણ કરી શકાય છે અને તે લ્યુકેમિયા તેમજ લિમ્ફોમા જેવા બ્લડ કેન્સરના નિદાનમાં અત્યંત મદદરૂપ બને છે. આ ટેકનોલોજી દ્વારા કોષોની ઓળખ અને પ્રકારનું ચોક્કસ વિશ્લેષણ, રોગનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર આયોજનમાં સહાય, ઇમ્યુન સિસ્ટમ સંબંધિત રોગોનું મૂલ્યાંકન તેમજ સારવાર દરમિયાન દર્દીની પ્રગતિનું મોનિટરિંગ કરીને ઝડપી અને વિશ્વસનીય રિપોર્ટિંગ મેળવી શકાશે, જેનાથી દર્દીઓને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાની સારવાર સમયસર મળી રહેશે.

- Advertisement -

તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વનો ઉમેરો કરતા મંત્રી દ્વારા પેથોલોજી પી.જી. વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધા સાથેના નવા એક્ઝામિનેશન હોલનો પ્રારંભ કરાયો હતો, જેમાં એક સાથે 20 પી.જી. વિદ્યાર્થીઓ માટે શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને અનુકૂળ વાતાવરણ સાથે પરીક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે જેનાથી પરીક્ષા પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનશે તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા તબીબી શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે.

આ તકે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, બીનાબેન કોઠારી, મેડિકલ કોલેજના ડિન ડો. નંદીની દેસાઈ, તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિત વિવિધ વિભાગોના વડાઓ અને તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular