દ્વારકા એસઓજી પોલીસે સલાયા વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશમાં દવાઓની હેરાફેરીનું આંતરરાજ્ય-આંતરરાષ્ટ્રિીય કૌભાંડ ઝડપી લીધું હતું. રૂપિયા 81 લાખની મેડીકલ કેપ્સુલનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દવાઓના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ વેપાર અને ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા SOG વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાને આપેલી સૂચનાઓ તથા માર્ગદર્શનના અનુસંધાને SOG વિભાગના હે.કો. હરદિપસિંહ જાડેજા, કોન્સ. મહાવિરસિંહ ગોહીલ તથા કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
દરમિયાન સલાયા ચેક પોસ્ટ પાસે હે.કો. હરદિપસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહિલ અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર, પુના ખાતેથી જેનરીક દવાઓનો જથ્થો મંગાવી અને સલાયાથી વહાણ મારફતે ભારતમાંથી બહારના દેશોમાં મોકલવાનુ રેકેટ ચલાવવામાં આવતું હોવાથી આના અનુસંધાને દવાઓનો જથ્થો એક ટાટા એસ વાહનમાં જામનગર તરફથી મોટા માંઢા ગામ થઈને સલાયા જતા રોડ રસ્તેથી સલાયા ખાતે આવનાર હોવાની માહિતી પરથી ટાટા એસ વાહન આવતા તેને રોકી અને વાહન ચાલક વિપુલસિંહ બળવંતસિંહ વાઢેર (રહે. જામનગર) દ્વારા વાહનના પાછળના ભાગમાં જોતા ખાખી કલરના પુંઠાના બોક્સ લઈ જવામાં આવતા હતા.
જેની ચકાસણી કરતા તેમાં મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો જોવામાં મળ્યો હતો. જેની પુછપરછ કરતા સલાયા ખાતે રહેતા ઇકબાલ ભાયા નામના વ્યક્તિએ તેનો સંપર્ક કરી આ દવાનો જથ્થો જામનગર રેલ્વે પાર્સલ ઓફીસથી મેળવી લઇ, સલાયા ખાતે પહોંચાડવા માટે નીકળ્યો હતો અને પછી સલાયા ખાતે આ પાર્સલ કઇ વ્યક્તિને પહોંચાડવાનું છે તે બાદમાં ફોન મારફતે જણાવીશ તેમ કહેતા આ વાહનમાં દવાના તમામ બોક્સ ભરીને સલાયા આવ્યો હતો અને ઇકબાલનો ફોન આવે તે પહેલા પોલીસે આ ગાડી રોકી હોવાનું જણાવ્યું હતું.
જેથી હાજર વાહન ચાલક પાસે મળી આવેલ દવાના જથ્થા અંગેના બિલ, આધાર પુરાવાઓ હોય તો રજુ કરવા જણાવતા તેને દવાઓનું બીલ રજુ કરતા, જે જોતા તેમા અલગ અલગ મિલીગ્રામની ચોક્કસ નામની મહારાષ્ટ્ર (પુના)ની બનાવટની દવા હતી. જેમાં બેચ નંબર, એક્સપાયરી ડેઈટ, કિંમત વિગેરે વિગત પણ લખી હતી.
આ વાહનમાંથી દવાઓના કુલ રૂ. 14.70 લાખની કિંમતના 80 બોક્સ હોવાનું જણાવાયું હતું. પરંતુ ચેકિંગ કરતા પોલીસને મળી આવેલી દવાઓનો જથ્થો વેરીફાય કરતા કુલ 121 બોક્ષની અંદર કુલ 9,50,490 કેપ્સ્યુલ મળી આવી હતી. જેની બજાર કિંમત રૂ. 80,77,861 થતી હોય, બીલમાં દર્શાવેલી તથા વાસ્તહઉંક રીતે મળી આવેલા દવાઓના જથ્થામાં મોટા પ્રમાણમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી મોટા પ્રમાણનો દવાઓનો જથ્થો શંકાસ્પદ જણાતા તેમજ આ દવાઓનો જથ્થો પુનાથી ખરીદી કરીને સલાયા ખાતે ગેરકાયદેસર મોકલવામાં આવ્યો હોવાનુ જણાતા મળી આવેલી શંકાસ્પદ દવાઓ જથ્થો ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ મુજબ વધુ તપાસઅર્થે કબ્જે કરવામાં આવ્યો છે.
આ અંગે ઉંડાણપુર્વકની તપાસ કરતા કબ્જે કરવામાં આવેલ કેપ્સ્યુલને ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક હેઠળના ભારત સરકાર દ્વારા પ્રતિબંધીત જાહેર કરવામાં આવી હોય તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું અને આ જથ્થો ગેરકાયદેસર રીતે વિદેશોમાં સપ્લાય કરવાનું સંગઠિત રેકેટ કાર્યરત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.
જેથી આરોપી અબ્દુલમોઈન અબ્દુલરહેમાન મહંમદઇશાક શેખ, (રહે. મુંબઇ), ઇકબાલ કરીમ ભાયા, (રહે. સલાયા, હાલ દુબઇ), હારિત (રહે. યમન) મહંમદ અઝરૂદ્દીન ઇમાદુદ્દીન મોમીન, (રહે. પુના) અને રાજદેવસિંહ ભોજુભા સોઢા (રહે. જોધપુર ગેઈટ, જામ ખંભાળિયા) સહિતના તેમજ આગળની તપાસમાં સંડોવાયેલા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ હેઠળ ખંભાળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં પોલીસે જુદી જુદી કંપનીની રૂ. 80,77,861ની કિંમતની 9,50,490 કેપ્સ્યુલના 121 બોક્સ કબજે કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ.વાળા, સજુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, હરદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલ, વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, સ્વરૂપસિંહ જાડેજા, સુમાતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.


