જામનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવાન પાસેથી જમીનનો સોદો કરાવી આપવાનું કહી વિશ્વાસમાં લઇ રૂપિયા પાંચ લાખની રકમ જમીનમાલિકના પુત્રવધૂના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી આ રકમ સોદામાં ગણાવી જમીન અન્ય વ્યક્તિના નામે દસ્તાવેજ કરાવી છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ છેતરપિંડીના બનાવની વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના કરછના તાલુકાના ધરી ગામનો વતની અને હાલ જામનગર શહેરમાં ઢીચડા રોડ ઉપર આવેલી રવિ પાર્ક ટાઉનશીપમાં શેરી નંબર 3/બી, મકાન નંબર 501/1માં રહેતાં તેમજ ખાનગી કંપીનના નોકરિયાત કૃષ્ણકાંત આશિકાપ્રસાદ યાદવ (ઉ.વ.38) નામના યુવાનને લાલપુર તાલુકાના મેઘપર ગામના દિનેશસિંહ શિવુભા કંચવા નામના શખ્સે વિશ્વાસમાં લઇ જમીનનો સોદો કરાવવાનું કહ્યું હતું. આ સોદા પેટે દિનેશસિંહે કૃષ્ણકાંત પાસેથી રૂા. પાંચ લાખ જમીનમાલિકના પુત્રવધૂના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને આ રકમ જમીનમાલિક સાથે થયેલા સોદામાં ગણાવી લીધી હતી. તેમજ જમીનનો સોદો અન્ય વ્યક્તિ સાથે કરી તેઓના નામે જમીનનો દસ્તાવેજ કરાવી દીધો હતો.
દરમ્યાન પાંચ લાખ ટ્રાન્સફર કરાવ્યા છતાં જમીનનો દસ્તાવેજ અન્ય વ્યક્તિના નામે કરાવ્યાના વિશ્વાસઘાત થયાની જાણ થતાં કૃષ્ણકાંતે અવારનવાર દિનેશસિંહ પાસે રૂપિયાની માંગણી કરી હતી પરંતુ રૂપિયા પરત નહીં આપતાં આખરે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ મેઘપર પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ એમ. એલ. જાડેજા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


