Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરએચ.જે. લાલ ચેરી. ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોનું...

એચ.જે. લાલ ચેરી. ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોનું સન્માન : VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતાં પંડાલો – મંડળોના સન્માન માટે હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા સમારોહમાં વકતાઓએ કહયું હતું કે, જામનગર શહેરમાં લાલ પરિવાર ભામાશા તરીકે ઉભરી આવ્યો છે. આ કાર્યક્રમમાં આર્શિવચન આપવા માટે ઉપસ્થિત પ.પૂ.કૃષ્ણમણીજી મહારાજ અને પૂ.ચર્તુભુજદાસજી મહારાજે પણ લાલ પરિવાર સત્કાર્યો સાથે માનવ સેવા સહિતના કાર્યો કરતાં રહે તેવા શુભાશિષ પાઠવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેર જીલ્લા સહિત સમગ્ર હાલાર પથંકમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં સતત કાર્યરત હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે આ પ્રસંગે જામનગર શહેરમાં ગણેશોત્સવના આયોજકોનો સન્માન સમારંભ ભારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. સંતો-મહંતો જામનગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ગણેશ મહોત્સવના આયોજકો – કાર્યકરોનો તેમજ આમંત્રીતો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સર્વમંગલ પાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં ગણેશજીની ઢોલ-નગાર સાથેની આરતી અને દિપ પ્રાગ્ટય સાથે સમારંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ સમારોહના પ્રારંભે ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટના માધ્યમથી દરેક પરિસ્થિતિમાં લાલ પરિવાર લોકોની વચ્ચે રહી સહયોગ આપે છે. કેદાર લાલની સ્મૃતિમાં સીટી ડીસ્પેન્સરીના સ્થાને નવું અધતન બિલ્ડીંગ નિર્માણ કરી મહાનગરપાલિકાને અર્પણ કરવાનું સદભાગ્ય અમને સાંપડયું છે. આગામી દશેરાના દિવસે અમારા માતાના જન્મદિનના અનુસંધાને 108 દિકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.પાણીની તંગીના સમયે કોર્પોરેશનને પાણી પૂરવઠો પુરો પાડવાનું કાર્ય કરવાનો પણ અમને સંતોષ અને આનંદ છે. જીતુભાઈ લાલે ખુબ જ ભાવપૂર્વક જણાવ્યું કે કોઈપણ લોકપયોગી કામ માટે અમારું ટ્રસ્ટ અને લાલ પરિવાર હરહમેંશા તૈયાર છે.

આ સમારોહમાં ઉપસ્થિત ‘ખબર ગુજરાત’ દૈનિકના વિપુલભાઈ કોટકે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે લાલ પરિવાર કોઈપણ જરૂરીયાત હોય ત્યારે હમેંશા લોકોની અને તંત્રની સાથે તેઓ ધાર્મિક કાર્યોમાં પણ હમેંશા અગ્રેસર રહયો છે. તાજેતરમાં જ લાલ પરિવારના સભ્યોએ 100 વ્યકિતઓને પવિત્ર વ્રૃજયાત્રા કરાવી અને પોતે સાથે જોડાયા હતાં. તેમણે લાલ પરિવારના સત્કાર્યોને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. સંપતિ હોય પણ સામાજીક સેવા કાર્યો માટે ધનનો યોગ્ય ઉપયોગ કરવા માટે લાલ પરિવાર જેવું કલેજું હોવું જોઈએ.

- Advertisement -

જામનગરના આજકાલ દૈનિકના નિવાસી તંત્રી પપ્પુખાને ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં જામનગરની જનતાને અપીલ કરી હતી કે હવે લાલ પરિવાર પ્રત્યે તેમના સેવા કાર્યોનું ઋણ ચુકવવાનો સમય આવી ગયો છે. છેલ્લા વીસ વર્ષથી આ લાલ પરિવાર અને બન્ને ભાઈઓ સતત સેવા કાર્યો કરી રહયા છે. બન્ને ભાઈઓના સ્વભાવ ભલે અલગ હોય પણ સંસ્કાર એક જ છે સેવા, સેવા અને સેવા. 108 દિકરીઓને પરણાવવા જેવા મોટા સત્કાર્યો કરી રહયા છે. શું આ પરિવાર કાયમ સમાજને આપવા માટે જ છે ? આપણે જનતાની પણ આ પરિવાર પ્રત્યે લાગણી દર્શાવવાની જરૂર છે અને મનોમથંન કરી યોગ્ય નિર્ણય કરવાની જરૂર છે આ પરિવારને જનપ્રતિનિધિ તરીકે પ્લેટફોર્મ મળવું જ જોઈએ.

જય કેબલના માલિક અને નવાનગર ન્યુઝના સંપાદક મનસુખભાઈ રાબડીયાએ તેમના ટૂંકા પ્રતિભાવમાં જણાવ્યું કે લાલ પરિવાર સારા કાર્યો કરે છે પરમકૃપાળુ પરમેશ્ર્વર તેમને વધુને વધુ સમાજસેવાના કાર્યો કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરૂ છું. સાંધ્ય દૈનિક નોબતના તંત્રી પ્રદિપભાઈ માધવાણીએ જણાવ્યું કે લાલ પરિવારના લગભગ સેવા કાર્યોમાં હું સાક્ષી છું. ગણેશોત્સવ જેવા ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં પ્રોત્સાહિત કરવાનું સેવાકાર્ય પણ નોંધપાત્ર છે. તેમણે લાલ પરિવારની સેવા પ્રવૃતિ બિરદાવી અભિનંદન આપ્યા હતાં.

ભાજપ શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ ઉદબોધનમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટના માઘ્યમથી લાલ પરિવાર જે સામાજીક સેવા કાર્યો, ધાર્મિકોત્સવમાં સહભાગી બનવાની પ્રવૃતિ કરે છે. ફુદરતિ આપતિઓ સમયે લોકોને સહાય કરવાની પ્રવૃતિ કરે છે તેને અભિનંદન આપુ છું.

પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ધન સંપતિ તો અનેક લોકો પાસે હોય છે પણ સારી લક્ષ્મી પ્રાપ્ત થાય તેઓ જ સત્કાર્યો કરી શકે છે. જેના આંગણેથી કોઈ નિરાશ થઈને પરત ફરતું નથી જેથી લાલ પરિવારનું સન્માન કરૂ છું. દુલા કાગના દોહાના ઉદાહરણ આપી તેમણે જણાવ્યું હતુ કે મીઠો આવકાર તો લાલ પરિવારમાંથી જ મળે છે. જીતુભાઈ અને અશોકભાઈ લાલે જલારામ બાપાની સેવા પરંપરાને આગળ વધારી રહયા છે. લાલ પરિવાર ઉપર મહાલક્ષ્મી માતાજીની કૃપા અવિરત વરસતી રહે અને વધુને વધુ સેવા કાર્યો કરતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.
જામનગરના પૂર્વ મેયર અને પવનહંસ એવિએશનના ડાયરેકટર અમીબેન પરીખે જણાવ્યું હતું કે હું જયારે મેયર પદે હતી ત્યારે દુષ્કાળની સ્થિતિમાં જળાશયો સૂકાઈ ગયા હતાં, ડંકી-બોર ડૂકી ગયા હતાં ત્યારે લાલ પરિવારે તેમના ફાર્મ હાઉસના કુવામાંથી મહાનગરપાલિકાને પાણીનો પૂરવઠો પૂરો પાડવાનું સેવા કાર્ય કર્યું હતું.

જામનગરના પૂર્વ મેયર સનતભાઈ મહેતાએ લાલ પરિવારના અતિ મહત્વના સેવા કાર્યની યાદ આપી જણાવ્યું હતું કે સીટી ડીસ્પેન્સરીના સ્થળે લાલ પરિવારે અદ્યતન બિલ્ડીંગની ભેટ ધરી છે તેના માધ્યમથી અસંખ્ય પરિવારોને આરોગ્ય સેવા ઉપલબ્ધ થનાર છે. આપણે પણ લાલ પરિવારના સેવા કાર્યોમાં સહકાર આપવો જોઈએ તેવો અનુરોધ કરતાં તેઓએ લાલ પરિવારમાં અશોકભાઈ અને જીતુભાઈની જોડી રામ-લક્ષ્મણની જોડી છે તેમ કહી તેઓ 108 ની જેમ 365 દિવસ સતત સેવાકાર્યો કરી રહયા છે. આ પરિવારને વધુને વધુ સેવા કાર્યો કરવાની ઇશ્ર્વર શકિત આપે તેવી પ્રાર્થના કરુ છું.

જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે દરેક સમાજ, દરેક ક્ષેત્રની જરૂરિયાત સમજીને લાલ પરિવાર સતત સેવા કાર્યો કરે છે તેમને ભામાશા જેવા દાનવીરનું બિરૂદ આપવું જ જોઈએ. જામનગર વાસીઓના દિલમાં લાલ પરિવારનું સ્થાન અલગ રહયું છે. શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ નંદાએ ખુબ જ સરળ શબ્દોમાં લાલ પરિવાર તેમજ તેમના સત્કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવા માટે લાલ પરિવારના સ્વયંસેવકોની ટીમની જહેમતને બિરદાવી હતી. આ સમારોહમાં ગણેશોત્સવના આયોજકોનું સન્માન કરીને લાલ પરિવારે ગણેશજીની પૂજા કરી છે. બાબુકાકાના સંસ્કારોને લાલ પરિવારે જાળવી રાખ્યા છે.

હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે તેમના ભાવપૂર્વકના સંબોધનમાં જણાવ્યું હતું કે પરમાત્માને પ્રાર્થના કરો કે દરેક વ્યકિત કોઈને મદદ કરવાની શકિત આપે. કુદરતના આર્શિવાદ મળે કે એવી સંપતિ અને શકિત મળે કે જેથી સત્કાર્યો થઈ શકે. સંપતિ કમાયા પછી તે સારા કાર્યોમાં વાપરવામાં આવે તે ખુબ જરૂરી છે અને અમો લાલ પરિવાર તો નિમિત માત્ર છીએ.

તેઓએ શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં કહયું હતું કે માનવ જન્મે છે ત્યારે બંધ મુઠીમાં જન્મે છે અને મૃત્યુ થાય છે ત્યારે હાથ ખુલ્લા હોય છે. પૂન : જન્મમાં વધારે જાણતો નથી પણ આ જન્મમાં કરાતાં સત્કાર્યોનું પૂણ્ય આવતા જન્મે બંધ મુઠીમાં હોય છે. કરેલા કર્મો જ સાથે આવે છે. આ સેવાકાર્યો અમને મળેલી ફરજ સમજીને ઈશ્ર્વર કૃપાથી કરીએ છીએ. સામાજીક સેવા કાર્યોની વ્યવસ્થાની જવાબદારી જીતુભાઈ લાલ જ સંભાળી રહયા છે. અમારા પરિવારમાં કાર્ય થાય છે તે માટે આપ સૌ જનતાના આર્શિવાદથી જ થાય છે.

તેમણે પોતાના માતાના જન્મદિન અનુસંધાને યોજાનારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નના આયોજનની વાત કહી જણાવ્યું હતું કે કોરોનાના બે વર્ષના કપરા સમય ગાળામાં અનેક પરિવારોમાં દિકરીના લગ્ન કરવા અસમર્થ હતાં તે ધ્યાને લઈને દર વર્ષે માતાની ઉમરના વર્ષ પ્રમાણે દિકરીઓની સંખ્યા નકકી કરી સમૂહ લગ્ન કરવાનો અમે સંકલ્પ કર્યો છે. આ વચ્ચે 108 દિકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવશે. જામનગરની જનતાને જયારે પણ કોઈપણ જરૂરી હોય મદદ સહાયની તેમણે ખાત્રી આપી હતી.

મેયર બીનાબેન કોઠારીએ ગણેશોત્સવના આયોજકોનું સન્માન કરવાના તેમને પ્રોત્સાહિત કરવાના કાર્યને બિરદાવી જણાવ્યું હતું કે ધાર્મિક અને સંસ્કૃતિને જાળવી રાખવા લાલ પરિવારે મહા સેવા કાર્ય કર્યું છે. શિપીંગના વ્યવસાયના માધ્યમથી તેઓ ગુજરાત અને રાષ્ટ્રના વિકાસમાં પણ સહયોગ આપી રહયા છે.

આ સમારંભમાં આર્શિવચન પાઠવવા ઉપસ્થિત સ્વામી નારાયણ સંપ્રદાયના મહંત પૂ.ચર્તભુજદાસજી મહારાજે જણાવ્યું હતું કે જીતુલાલ જીત આપે છે, અશોક લાલ શોક દૂર કરે છે અને લાલ પરિવાર લોકોને લાડ કરાવે છે.તેમણે કાવ્ય સ્વરૂપે પંક્તિઓ રજુ કરી હતી કે ” ધાર્મિક ઉત્સવોમાં મચાવી છે ધમાલ, સેવાની મોટી કરી છે કમાલ, સમાજને કર્યા છે દિલથી વ્હાલ, એવા છે આ પરિવાર લાલ . સતા, સંપતિ, શકિત અને સમયનો સદઉપયોગ ત્યારે જ થાય જયારે ઈશ્ર્વરની કૃપા હોય, લાલ પરિવાર ઉપર ઈશ્ર્વરની કૃપા છે, ધાર્મિક પ્રવૃતિ કરનારાને પ્રોત્સાહન આપવું તે પણ એક વિશેષ સેવા કાર્ય છે. આપણે સૌ હદયથી લાલ પરિવારને આર્શિવાદ અર્પી અને ભગવાન તેમના પર અવિરત કૃપા વરસાવે અને સક્ષમ અને સમૃધ્ધ લોકોને પણ તેમના કાર્યોથી પ્રેરણા મળે.

આ સમારોહમાં ઉપસ્થિત પ-નવતનપુરી ઘામના પ્રમુખ આચાર્ય જગદગુરૂ કૃષ્ણમણીજી મહારાજે આર્શિવચન પાઠવતા જણાવ્યું કે ટ્રસ્ટ અને લાલ પરિવાર સમગ્ર જનતાને ખુબ જ લાભ આપે છે. ધાર્મિકોત્સવમાં કાયમી લાલ પરિવાર સહયોગ અને પ્રોત્સાહન આપે છે. જામનગરની જનતાએ પણ લાલ પરિવારના સત્કાર્યોને હમેંશા આવકાર આપ્યો છે ત્યારે હવે તેમને જનપ્રતિનિધિ તરીકે આગળ વધવાનો અવસર મળવો જોઈએ. દુષ્કાળમાં તેમજ કુદરતી આપતિમાં લોકોને મદદરૂપ થવાના સેવાકાર્યો હમેંશા યાદ રહેશે. પાણીનો વેપાર થઈ શકતો હતો તેવા સમયે પાણીનો પૂરવઠો જામનગર મ્યુને.કોર્પોરેશનને લાલ પરિવારે આપ્યો છે. લાલ પરિવારના દરેક સેવાકાર્યો સફળતાપૂર્વક પાર પડે તેમના દરેક મનોરથ પરિપૂર્ણ થાય તેવા આર્શિવાદ સાથે પ્રભુ પ્રાર્થના તેમણે કરી હતી.

આ સમારોહમાં અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત નહી રહી શકનારા આણદાબાવા સંસ્થાના પ.પૂ. દેવીપ્રસાદજી મહારાજ, મોટીહવેલીના પૂ.પા.ગો. 108 વલ્લભરાયજી મહોદય, સ્વામીનારાયણ બી.એ.પી.એસ.ના ધર્મનિધીજી મહારાજ અને સંસદ સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ રાજય મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી તેમજ ગોવા શીપીંગ યાર્ડના ડાયરેકટર તથા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યા હતાં. આભાર દર્શન ગિરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું. સમગ્ર સમારોહનું સંચાલન બિમલભાઈ ઓઝા, લલીતભાઈ જોષી તથા વરિષ્ઠ પત્રકાર ગિરિશભાઈ ગણાત્રાએ કર્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular