Sunday, October 1, 2023
Homeરાજ્યહાલારખંભાળિયામાં આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સિરીપ પ્રકરણના ચાર આરોપી જેલ હવાલે

ખંભાળિયામાં આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સિરીપ પ્રકરણના ચાર આરોપી જેલ હવાલે

- Advertisement -

ખંભાળિયા શહેરમાંથી આજથી આશરે બાર દિવસ પૂર્વે ઝડપાયેલી આલ્કોહોલ મિશ્રિત 4000 આયુર્વેદિક સીરપની બોટલના પ્રકરણમાં આ અંગેના તાર સીરપની અમદાવાદ સ્થિત ફેક્ટરી સુધી પહોંચ્યા હતા અને ત્યાર બાદ રવિવારે ખંભાળિયામાંથી વધુ રૂપિયા સવા 26 લાખની કિંમતની 15,624 બોટલ સીરપનો જથ્થો મળી આવતા આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય ઉત્પાદક એવા ફેક્ટરીના માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના મૂળ વતની અને એમ.ટેક જેવી ડીગ્રી મેળવી ચૂકેલા તેમજ હાલ અમદાવાદ ખાતે રહેતા ભરત ચનાભાઈ નકુમ નામના સતવારા યુવાન દ્વારા ચાંગોદર ખાતે ફેક્ટરીમાં આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક ટોનિક બનાવી વેચાણ કરવાના પ્રકરણમાં પોલીસે આ મુખ્ય સૂત્રધાર પાસેથી 7273 બોટલ સેલ્ફ જનરેટેડ સીરપ સહિત કુલ રૂપિયા 21.12 લાખનો મુદ્દામાલ કબજે કરી, પોલીસે આરોપી ભરત નકુમના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ પ્રકરણમાં બે દિવસ પૂર્વે વધુ બે આરોપીઓ એવા ખંભાળિયાના વેપારી ચિરાગ થોભાણી તેમજ અમદાવાદ ખાતે રહેતા રમેશ ભોપા ખરગીયાની ધરપકડ કરી, રિમાન્ડ મેળવ્યા હતા.
આ તમામ ત્રણ શખ્સોના રિમાન્ડ ગઈકાલે સોમવારે પૂર્ણ થતા નામદાર અદાલતે આ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે રવિવારે ખંભાળિયા પોલીસે અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા અકરમ નજીર બનવા નામના શખ્સ દ્વારા ખંભાળિયા ભાણવડ રોડ ઉપર આવેલા ભાણવારી ગામના પાટીયા પાસે બે ગોડાઉનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા સવા 26 લાખથી વધુની કિંમતની આયુર્વેદિક સીરપની 15,624 બોટલ કબજે કરી હતી. અગાઉના પ્રકરણમાં ઝડપાયેલા આ શખ્સને પણ ખંભાળિયા પોલીસે સોમવારે અહીંની અદાલતમાં રજૂ કરતા અદાલતે આ આરોપીને પણ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

રવિવારે ભાણવારી ગામ પાસેથી ઝડપાયેલી રૂપિયા સવા 26 લાખથી કિંમતની સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક ટોનિકની બોટલનું સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યેથી આગામી દિવસોમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસનીસ અધિકારી તથા અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા જણાવાયું છે.

- Advertisement -

ભાણવારી ગોડાઉન પ્રકરણનો આરોપી અકરમ બનવા તથા અગાઉના આરોપી ચિરાગ થોભાણી ધંધાકીય રીતે સંકળાયેલા હોવાનું તથા રવિવારે ઝડપાયેલો રૂ. સવા 26 લાખનો સીરપનો જથ્થો પંજાબ તરફની બનાવટનો હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં પોલીસ દ્વારા હજુ વધુ ઊંડાણપૂર્વક નહીં તપાસ ચલાવવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.નિકુંજ જોશી, રાયટર શક્તિસિંહ જાડેજા, ખીમાભાઈ કરમુર, યોગરાજસિંહ ઝાલા, વિગેરે દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular