Friday, April 19, 2024
Homeરાજ્યહાલારધ્રોલ-લતીપર રોડ પર આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

ધ્રોલ-લતીપર રોડ પર આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત : એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો : પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો : અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો

- Advertisement -

ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ નજીક આઈસર અને કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતાં. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, મંગળવારની રાત્રિન સમયે ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ નજીક આઈસર વાહન અને કાર ધડાકાભેર સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર યુવરાજસિંહ જગતસિંહ જાડેજા, જયદેવસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે.ટીંબડી) અને લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા (રહે. પીઠડ) નામના ત્રણ વ્યક્તિઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે વિક્રમસિંહ કિશોરસિંહ જાડેજા નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ધ્રોલની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

વધુમાં મળતી વિગત મુજબ, પીઠડ ગામના લાલજીભાઈ ગોગરા તા.23 ના રાત્રિના સમયે ટીંબડી ગામે સંબંધીને ત્યાં યોજાયેલા ભજનના કાર્યક્રમમાં ગયા હતાં. જ્યાંથી રાત્રિના 12 વાગ્યાના અરસામાં તેઓ ધ્રોલ કારમાં ગેસ ભરાવવા અને નાસતો કરવા જતાં હતાં ત્યારબાદ મધ્યરાત્રિના સમયે ગોકુલપર ગામ નજીક આઈસર સાથે લાલજીભાઈની કાર અથડાતા અકસ્માતમાં લાલજીભાઈ સહિત ત્રણ વ્યકિતના મોત નિપજ્યાં હતાં. આ બનાવમાં મૃતક લાલજીભાઈના ભાઈએ ધ્રોલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણ મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular