જામનગર શહેરમાં 12 વર્ષ પહેલાં થયેલી માથાકૂટ અને અવાર-નવાર થતી બોલાચાલીનો ખાર રાખી સમાધાન માટે બોલાવી ખેતમજૂર યુવાન ઉપર બે શખ્સો દ્વારા ધોકા અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં રહેતો અને ખેતમજૂરી કામ કરતા ભરતભાઈ મેઘજીભાઈ પરમાર નામના યુવાનને બાબુ વાઘેલા સાથે 12-13 વર્ષ અગાઉ માથાકુટ થઈ હતી અને ત્યારબાદ અવાર-નવાર નાની મોટી બોલાચાલી થતી હતી. જેથી કાયમી માથાકૂટનો અંત લાવવા ભરતભાઈએ ખારાબેરાજા ગામના બાબુ વાઘેલા અને કારુ વાઘેલાને સમાધાન માટે તળાવની પાળે બોલાવ્યા હતાં તે દરમિયાન બંને શખ્સોએ બાઈક પર આવી ભરતભાઈ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો કાઢી અમને ફોન કરીને કેમ હેરાન કરશ ? તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ કરાતા એએસઆઈ એલ બી જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.