આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવભેર ઉજવણી હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમના અતિથી વિશેષ સ્થાને કરવામાં આવી હતી. આ વર્ષે 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને દસ વર્ષ થવા જાય છે ત્યારે આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં 10 સિગ્નેચર ઇવેન્ટ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઇટ્રા ખાતે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યોગ સંગમ શિર્ષક અને એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ આધારીત ઉજવણી કરવામાં આવી હતી.
ઇટ્રા ખાતેના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ધન્વંતરી મેદાન ખાતે સૌ પ્રથમ દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીના યોગ પરના, વિશાખાપટ્ટ્નમ ખાતે આયોજિત યોગાભ્યાસ અને યોગસંબંધી પ્રવચનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.
યોગ બાદ ઇટ્રા સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા યોગનૃત્ય અને વિવિધ મંચ પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં યોગાનુષંગિક બાબતો વિષે લોકોને વધુમાં વધુ યોગ કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને સંસદસભ્ય પૂનમબેન દ્વારા નિયમિત યોગાભ્યાસથી મનુષ્ય સ્વાસ્થ્યને થતા ફાયદા અંગે વિગતો આપી યોગને રોજીંદા પ્રવૃત્તિ તરીકે સ્વિકારવા અનુમોદન આપતી બાબતો વિષે વિસ્તારથી પ્રસ્તુત કરવામાં આવી હતી. વધુમાં આ વર્ષની યોગની થીમ યોગા ફોર વન અર્થ, વન હેલ્થને પણ લોકસ્વાસ્થ્ય માટે મહત્વનું અને અતિઉચિત પગલું ગણાવ્યું હતુ.
દેશના યોગ વિશેષશ પ્રો. વૈદ્ય અર્પણ ભટ્ટ જણાવે છે કે વિશ્વમાં સ્વાસ્થ્ય રક્ષા અને સંવર્ધન માટે કાળક્રમે ઘણી પ્રણાલીઓ પ્રચલિત થઈ. ભારત એ સર્વેમાં શિરમોર છે અને ભારતમાં જન્મ લેનારી તમામ પ્રણાલીઓ માત્ર શારીરિક જ નહીં પરંતુ સર્વાંગીણ સ્વાસ્થ્ય સુરક્ષાનું દાયિત્વ સંભાળે છે. યોગ વિજ્ઞાન પણ આવી જ પદ્ધતિ તરીકે સાંપ્રત સમયમાં લોક ચાહના મેળવી રહ્યું છે. કરવામાં ખૂબ સરળ, સુલભ, કિફાયતી અને અસરકારક એવી જો કોઈ પદ્ધતિ હોય તો તે યોગ છે અને તે કોઈ પણ ઋતુ, વાતાવરણ, ભૌગોલિક સ્થિતિ, જાતિ , ધર્મ, લિંગ, કે વય જૂથના બાધ વગર વૈશ્વિક રીતે તમામ ને એક સાથે જોડી, સંપૂર્ણ સ્વીકાર્યતા સાથે અપનાવી શકાય એવો માર્ગ તે યોગ માર્ગ છે. તેથી તે સૌએ અપનાવવો રહ્યો.