Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરની કોવિડ હોસ્પિટલ આપી રહી છે ‘ટ્રિટમેન્ટ ઓન વ્હિલ્સ’

જામનગરની કોવિડ હોસ્પિટલ આપી રહી છે ‘ટ્રિટમેન્ટ ઓન વ્હિલ્સ’

દર્દીને વાહનમાં જ અપાઇ છે તાત્કાલિક સારવાર અને ઓકિસજનની સુવિધા

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી તથા રાજકોટના દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં સારવાર મેળવી રહ્યા છે. વધતા જતા સંક્રમણ સામે કોરોનાના દર્દીઓના મહામૂલા પ્રાણ બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ સુવિધાઓ-જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવનાર દર્દીને તત્કાલ બેડની સુવિધા જો ઉપલબ્ધ ન થઈ શકે તેમ હોય તેવા સંજોગોમાં વેઈટિંગ દરમિયાન ૧૦૮, ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરીયાતની સેવા પુરી પાડવામાં આવે છે. 

- Advertisement -

જ્યારે પણ કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે ત્યારે સૌપ્રથમ તેને OPD માટે લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું નિદાન થાય ત્યારબાદ તેને IPD માં લઇ જવામાં આવે છે. ipd એટલે ઇન્ડોર પેશન્ટ, પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારબાદ ત્યાં ત્રણ ભાગ બનાવવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓ માટેનો વોર્ડ, ડેડીકેટેડ કોવિડ વોર્ડ, સિવીયર કોવિડ વોર્ડ હોય છે. જેમ જેમ દર્દીની તબિયતમાં સુધારો થાય છે તેમ સંપૂર્ણ સ્વસ્થ થતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

- Advertisement -

આ પ્રક્રિયા દરમ્યાન ઘણા વેઈટિંગમાં રહેલ દર્દીઓના અનુસંધાને કોરોના નોડલ ડો. શ્રી એસ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, કોવિડ સંક્રમણમાં ખૂબ વધારો થતાં જી.જી હોસ્પિટલ ખાતે સરેરાશ રોજ ૩૦૦થી વધુ પેશન્ટ દાખલ થઈ રહ્યા છે ત્યારે ઘણા દર્દીઓએ હોસ્પિટલ ખાતે વેઇટિંગમાં બે થી ચાર કલાક સુધી રહેવું પડતું હોય છે પરંતુ આ દરમિયાન પણ દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે જામનગર જી.જી હોસ્પિટલ ખાતે આશરે ૨૦૦ જેટલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ, વાન, રીક્ષા કે પોતાના પ્રાઈવેટ વાહનમાં આવેલ દર્દીને તાત્કાલિક જ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે. આવેલ દર્દી ડોક્ટર પાસે નામ લખાવે કે તુરત જ તેનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે છે, જો ઓક્સિજન ૯૦ થી ઓછું હોય અથવા શ્વાસની તકલીફ હોય તો દર્દીને તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડર અને નેઝલ માસ્ક હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે અને વાહનમાં જ તેની સારવાર ચાલુ કરી દેવામાં આવે છે.

તો હોસ્પિટલ ખાતેની વ્યવસ્થાઓ અને દર્દીઓની સેવામાં રત સ્ટાફ વિશેની માહિતી આપતા એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર નંદીની દેસાઈએ કહ્યું હતું કે, હાલ હોસ્પિટલ ખાતે સામાન્ય શરદી, તાવના દર્દીઓને તપાસવા માટે જૂની બિલ્ડીંગ પાસે અલગથી ઓપીડી ચાલુ કરવામાં આવી છે જેના થકી દર્દીઓને સંક્રમિત વિસ્તારથી દૂર રાખી સારવાર આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોવિડ હોસ્પિટલ ખાતે પેશન્ટનો ધસારો વધતા હાલ આઉટડોર દર્દીઓને સારવાર માટે ૨૦૦ જેટલા ડોક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા તત્કાલ સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત દર્દીઓની સારવાર માટે આવશ્યક એસઆરએફ ફોર્મ ભરવાની કામગીરી ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે જેના માટે પણ મેડિકલ કોલેજના અંદાજે ૭૦૦થી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ માટેની ફરજ બજાવી રહ્યા છે. આ મહામારીમાં દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં પણ દર્દી નારાયણની સેવા માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ખંભાળિયા અને મોરબી ખાતે મોકલી કાર્યરત કરવામાં આવ્યા છે. તદુપરાંત કોવિડ હોસ્પિટલમાં તબીબી શિક્ષકો અને ૩૦૦ જેટલા રેસિડેન્ટ ડૉક્ટર ખૂબ મોટા નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફ સાથે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

- Advertisement -

એમ્બ્યુલન્સ, કે પ્રાઈવેટ વાહનમાં જ દર્દીને તાત્કાલિક સારવાર આપી દર્દીને કોઇ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ પ્રક્રિયાનો એક માત્ર ઉદ્દેશ્ય દર્દી નારાયણના પ્રાણ બચાવવાનો છે. કોઈપણ દર્દી ઓક્સિજન કે સારવારના અભાવના કારણે મૃત્યુ ન પામે તે માટે આઉટડોર પેશન્ટ માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રોજ હોસ્પિટલ ખાતે આશરે ૩૦૦ જેટલા દર્દીઓ દાખલ થઇ રહ્યા છે તો સામે ૧૫૦ જેટલા દર્દીઓ સારવારથી સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી દવાઓ, વેન્ટિલેટર કે અન્ય કોઈપણ સારવારલક્ષી વસ્તુઓની અછત થઈ નથી. સરકાર તરફથી જી.જી.હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં દવા અને વેન્ટિલેટરનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે ડોક્ટરો દ્વારા માત્રને માત્ર દર્દીઓના પ્રાણ બચાવવા માટે સતત જહેમત ઉઠાવવામાં આવે છે.

આમ જી. જી. હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઉપરાંત આઉટડોરમાં રહેલા દર્દીઓને પણ સારવાર આપી ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ દ્વારા “જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્રને આ ૨૦૦  સેવાકર્મીઓ દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. દર્દીઓ દ્વારા પણ હોસ્પિટલની આ સેવાને બિરદાવવામાં આવી રહી છે.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular