ટ્રમ્પના ટેરિફની આગ થી સેન્સેક્સમાં 3000 અને નિફ્ટીમાં 1000 પોઇન્ટથી વધુનું ગાબડું: ઓટો, બેન્કિંગ, મેટલ, હેલ્થકેર, આઇટી સહિતના તમામ સેક્ટર 5 થી 10 ટકા સુધી તૂટ્યા : બ્લેક મન્ડેથી રોકાણકારો ગભરાયા : એશિયન બજાર પણ ધરાશાયી

આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ શેરબજારમાં વર્ષનો બીજો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 3000 પોઈન્ટ (4%) થી વધુ ઘટીને 72,300ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 900 પોઈન્ટ (4.50%) ઘટ્યો છે.
તે 22,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ 4 જુન, ૨૦૨૪ના રોજ શેર બજારમાં 5.74 %નો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઈન્ફોસિસના શેર લગભગ 10% ઘટ્યા છે. ટેક મહિન્દ્રા, એચ સી એલ ટેક શેર પણ 8% ઘટ્યા છે.
NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યો છે. આઈટી, ઓઈલ અને ગેસ એન હેલ્થકેર ઇન્ડેક્સમાં લગભગ 7%નો ઘટાડો થયો છે. ઓટો, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સ 5% થી વધુ ઘટ્યા છે. જો ટેરિફને કારણે માલ મોંઘો થશે, તો લોકો ઓછી ખરીદી કરશે, જે અર્થતંત્રને ધીમું કરી શકે છે. આ ઉપરાંત ઓછી માંગને કારણે, ફૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે.
આ નબળી આર્થિક પ્રવૃત્તિનો સંકેત છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મિડકૅપ ઈન્ડેક્સ 1,850 પોઈન્ટ એટલે કે 4.60% ઘટીને 38,630 ના સ્તરે પહોંચ્યો. જયારે સ્મોલકૅપ ઈન્ડેક્સ 2860 પોઇન્ટ એટલે કે 6.20% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં લગભગ ૨૦ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. શુક્રવાર, ૪ એપ્રિલના રોજ BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 404 લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે સવારે 10 વાગ્યે ઘટીને લગભગ 383 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 6%, કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4.5%, ચીનનો સાંઘાઈ ઇન્ડેક્સ 6.50% ઘટ્યો છે.
હોંગકોંગનો હેંગસેંગ 10% ઘટ્યો છે. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડ થતી નિફ્ટી લગભગ 800 પોઇન્ટ (3.60%) ઘટીને 22,180 ના સ્તરે ટ્રેડ કરી રહી છે. 3 એપ્રિલના રોજ અમેરિકાનો ડાઉ જોન્સ 3.98% ઘટીને 40,545 પર બંધ થયો. SP 500 ઇન્ડેક્સ 4.84% ઘટ્યો. નાસ્ડેક કમ્પોઝીટ 5.97% ઘટ્યો. નાણાકીય વિશ્લેષક જિમ ક્રેમરે 1987 જેવી ‘બ્લેક મન્ડે’ આવવાની આગાહી કરી છે. ક્રેમરે કહ્યું કે આજે યુએસ માર્કેટ 22% ઘટી શકે છે.
આ અચાનક ઘટાડા પાછળ અનેક કારણો છે. આમાથી કેટલાક આંતરરાષ્ટ્રીય છે અને કેટલાક સ્થાનિક છે. અમેરિકાના ટેરિફને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર યુદ્ધનો ભય ફરી વધી રહ્યો છે. યુએસ માર્કેટમાં નબળાઈ છે અને યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ ઘટી રહ્યા છે. આ બધા કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે.
વિશ્વ વ્યાપાર સંસ્થા ભાંગી પડવાના આરે : અમેરિકાના ટ્રેડવોર સામે વિશ્વના દેશો બાંયો ચડાવા લાગ્યા: બ્રિટનના વડાપ્રધાને કહ્યું, ગ્લોબલાઈઝેશનનો અંત: બધા હવે ડોમેસ્ટિક ઉત્પાદન પર જશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે છેડેલા ટેરિફ વોરમાં જ્યારે સમગ્ર વિશ્વ વેપાર અને અર્થતંત્ર પણ અનિશ્ચિતતાની સ્થિતિમાં ધકેલાયા છે તે સમયે ખુદ ટ્રમ્પ તેમના નિશ્ચિત શેડ્યૂલ મુજબ ફલોરિડામાં તેમના ગલ્ફ કોર્પ પર આ સ્ટીક-બોલની રમતનો આનંદ માણી રહ્યા છે અને વિશ્વમાં હવે અનેક દેશો જેને ટ્રંપના ટેરિફથી સૌથી વધુ સહન કરવાનું છે.
તેઓ પોતાની પોઝિશન પણ બનાવવા લાગ્યા છે અને અમેરિકી ટેરિફથી હવે મંદીના ભણકારો પણ શરૂ થયા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર હવે તેના જૂના દોસ્ત અમેરિકાની સામે નવી રાજનીતિ તૈયાર કરી છે અને આવતીકાલે તેની જાહેરાત કરશે. તેમણે કહ્યું હતું કે બીજી વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિકરણ (ગ્લોબલાઈઝેશન) ની સ્થિતિ બની હતી તેનો હવે કોઈ અર્થ રહ્યો નથી અને તેનાથી લોકોને ફાયદો પણ મળવાનો નથી.
અમેરિકાએ પોતાની શરતોએ જ રીતે વિશ્વવ્યાપાર ગોઠવવાની તૈયારી કરી છે. તેમાં એક મહત્વના પગલામાં વિશ્વ વ્યાપાર સંગઠનમાં તેનું યોગદાન ખત્મ કરી દીધું છે અને હવે વિશ્વના બીજા દેશો પણ તેમ કરશે. બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે દુનિયામાં હવે આયાત-નિકાસ નહીં ડોમેસ્ટીક પ્રોડક્શન વધારવાની હોડ લાગશે.
અમેરિકી ટેરીફની અસર દેખાવા લાગી છે તે વચ્ચે સિંગાપુરમાં સૌથી ઓછા 10% ટેરીફ હોવા છતાં પણ ત્યાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. કારણ કે સિંગાપુર, પુણે ટ્રેડ પર આધારિત અર્થતંત્ર ધરાવે છે. સિંગાપુરની શીપિંગ-લોજિસ્ટિક કંપનીઓ માટે તો પાણીમાં પાળખા જેવી સ્થિતિ આવી. ચીને કોઈ ચિંતા વગર જ વળતો ટેરીફ ઝીંકીને અમેરિકાને વધુ છંછેડ્યું છે. ચીને જાહેર કર્યું છે કે ટ્રમ્પની આ ધમકીની અમારા પર કોઈ અસર થશે નહિ. ફ્રાન્સે હવે અમેરિકા સાથેના વ્યાપાર પુનઃ સમીક્ષા શરુ કરી છે. તેઓએ પણ આગાહી કરી છે કે ટ્રમ્પ ટેરીફ અમેરિકાને જ ગરીબ અને કમજોર બનાવ્યો. યુરોપના દેશોએ પણ અમેરિકી ટેરીફનો જવાબ આપવા આજે તાકીદની બેઠક બોલાવી છે. કેનેડાએ અગાઉ જ અમેરિકા સામે વળતા જાહેરાત કરી છે. બ્રાઝીલની સાંસદે પણ અમેરિકાના ટેરીફ સામે વળતા ટેરીફ લાદવા દેશની સરકારને સતા આપી છે.