Friday, December 6, 2024
Homeવિડિઓશરીરમાં લોહી હશે ત્યાં સુધી નિષ્ઠાથી વોર્ડ નં. 5ની પ્રજાની સેવા કરીશ...

શરીરમાં લોહી હશે ત્યાં સુધી નિષ્ઠાથી વોર્ડ નં. 5ની પ્રજાની સેવા કરીશ : કરશન કરમુર

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વેગવંતા બન્યા છે. ગઇકાલે આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 5ના મધ્યસ્થ કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો હતો. આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 5ના ઉમેદવાર કરશનભાઇ કરમુર, જેન્તીભાઇ સાવલીયા, કમળાબા ઝાલા, સોનલબેન ઘેડીયાની પેનલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અજેશ યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. વોર્ડ નં. 5ની જંગી જનમેદની વચ્ચે ભારત માતાકી જયના નારા સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરમાં ખોડિયાર કોલોની નજીક………….. વોર્ડ નં. 5ના આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અજેશ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત માતાકી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનો, નેતાઓએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાને અપાતી સુવિધાઓ વિશે ઉદ્બોધન કરી આમ આદમી પાર્ટીની પેનલના ચારેય ઉમેદવારોને જંગી બહુમતિથી વિજેતા બનાવવા હાંકલ કરી હતી.

આ સમારોહમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજીતભાઇ લેખીલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોને એડમિશન લેવા જેવી સારી સ્થિતિ નથી. કોઇ સારી સરકારી શાળા ગુજરાતમાં ઉપલબ્ધ જ નથી. આ ઉપરાંત ગુજરાતમાં 203 ટકા વિજળીનું ઉત્પાદન થાય છે જે સૌથી વધારે ઉત્પાદન થાય છે. આમ છતાં સૌથી વધુ મોંઘી વિજળી ગુજરાતમાં પ્રજાને મળે છે.

- Advertisement -

આ તકે વોર્ડ નં. 5ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન કરમુરે જણાવ્યું હતું કે, શરૂ સેકશનથી લઇ નિલકમલ સુધીના વિસ્તારમાં ભાજપને ટિકિટ આપવાનું યોગ્ય લાગ્યું નહીં. હું વોર્ડ નં. 5ની પ્રજાને મારા ભગવાન માનું છું. આ વિસ્તારમાંથી ભાજપ દ્વારા એકપણ ટિકિટ ન અપાઇ તે આ વિસ્તારની જનતાનું અપમાન છે. વોર્ડ નં. 5ની જનતા અમારો પરિવાર છે. આ વિસ્તારનો દરેક સમાજ મારો પરિવાર છે. મારા શરીરમાં લોહી હશે ત્યાં સુધી હુ નિષ્ઠાપૂર્વક આ વિસ્તારની પ્રજા માટે કામ કરતો રહીશ. તેમ જણાવી તેમણે વોર્ડ નં. 5ની પ્રજાના વિકાસને લગતાં પ્રશ્ર્નોના નિરાકરણ માટે કટિબધ્ધતા બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે મતદાનને આઠ જ દિવસ બાકી છે. ત્યારે ઘરે-ઘરે જઇ લોકસંપર્ક કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યુ હતું અને વોર્ડના તમામ મતદારોને જંગી બહુમતિથી તેમની પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી. વોર્ડ નં. પની જનતાને પોતાના પરિવાર અને એક ભગવાન તરીકે ગણી ક્યારેય પણ તેઓને નારાજ થવાનો મોકો નહીં આપવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

દિલ્હીથી પધારેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અજેશ યાદવએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં કરશનભાઇ વિશે સાંભળ્યું હતું. આજે અહીં આવીને જોઇ પણ લીધું. આજની આ વિશાળ જનમેદની સાબિતી આપે છે કે, કરશનભાઇનો વિજય નિશ્ર્ચિત છે અને તેમને એડવાન્સ શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે જીગર જોઇએ. કારણ કે, પાર્ટીમાં જોડાનાર કોઇ કાર્યકર્તાએ જો કાંઇ છૂપાવ્યું હોય અને પછી જો તે કંઇ નિકળી તો પાર્ટીમાં તેમના માટે જગ્યા નથી. આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. અમે નેતા નથી. પરંતુ આંદોલનમાંથી આવ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, અમે લોકો દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરતાં હતાં ત્યારે અન્ય પક્ષોએ અમને કહ્યું કે, ચૂંટણી લડી અને જીતીને જ ભ્રષ્ટાચાર નાબુદ કરી બતાવો જે ભાજપ અને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ સાબિત થઇ. અમે લડયા અને જીત્યા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શું જામનગરમાં રૂા. 10,000 કમાનાર વ્યક્તિ 24 કલાક વિજળી વાપરી શકે છે? તથા તેમના બાળકો સારી શાળામાં ભણી શકે છે? દિલ્હીમાં રૂા. 10,000 કમાવાવાળો પરિવાર આરામથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. દિલ્હીમાં સરકારી શાળામાં લોકો એડમિશન લઇ રહ્યાં છે. દિલ્હીમાં કોચિંગ પણ સરકાર વિનામૂલ્યે આપે છે. તેમજ બસમાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી ઉપરાંત સરકારી ડોક્યુમેન્ટ માટે લોકોને ધક્કા નથી ખાવા પડતાં. એક ફોન કરે અને સરકારી કર્મચારીઓ લોકોના ઘરે જઇ ડોક્યુમેન્ટ લઇને સરકારી કામ કરી આપે છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અજેશ યાદવ ઉપરાંત જામનગર શહેર પ્રમુખ રમેશભાઇ કટારમલ, જિલ્લા પ્રમુખ ભાવેશભાઇ પટેલ, ઉપપ્રમુખ સુખદેવસિંહ જાડેજા, દિલીપસિંહ વાઘેલા, સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, શિવાજીભાઇ ડાંગર, ચેતનાબેન માણેક ઉપરાંત આમ આદમી પાર્ટીના જામનગર મહાનગરપાલિકાના ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ વોર્ડ નં. 5ની જનમેદની વિશાળ સંખ્યામાં ઉમટી હતી અને ભારત માતાકી જયના નારા સાથે વોર્ડ નં. 5ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો હતો. આ તકે ભાવિશાબેન પટેલ 50થી વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વોર્ડ નં. 5ના લોકોને ભારે મતદાન કરી વોર્ડ નં. 5 આમ આદમી પાર્ટીને વિજયી બનાવવા ઉમેદવારોએ અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular