દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં રહેતા વૃઘ્ધને લીવરના કેન્સરની બિમારી થઇ હતી. આ બિમારીની સારવાર કરાવવા છતાં થતી પીડાથી કંટાળીને જામજોધપુર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા તાલુકાના ભાણવડ તાલુકાના શિવા ગામના વતની અને હાલ વેરાડના વાડી વિસ્તારમાં રહેતા અરશીભાઇ રામભાઇ (ઉ.વ. 62) નામના વૃઘ્ધને છેલ્લા છ માસથી લીવરના કેન્સરની બિમારી થઇ હતી. તેની સારવાર રાજકોટની સરકારી હોસ્પિટલમાં ચાલુ હતી. આ બીમારીની સારવારના કારણે થતી અસહ્ય પીડાના કારણે બિમારીથી કંટાળીને શુક્રવારે વહેલી સવારના સમયે જામનગર-પોરબંદર ધોરીમાર્ગ પર જામજોધપુર નજીક આવેલા ધારાગઢ ફાટક પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા વૃઘ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણના આધારે હે.કો. જે. ડી. મેઘનાથી તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને વૃઘ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી, ઓળખ મેળવી મૃતકના પુત્ર કપિલભાઇ રાવલિયાના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.