જામનગર શહેરમાં ગોવાળની મસ્જિદ પાસેથી પસાર થતાં રિક્ષાચાલકને જોડિયાના શખ્સએ તેની પત્ની સાથેના પ્રેમસંબંધની જાણ થઇ જતાં છરી વડે જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ મોરબીના કાલીકા પ્લોટનો વતની અને હાલ જામનગરમાં ચૂનાના ભઠ્ઠા પાસે ઢોલિયા પીરની દરગાહ પાસે રહીને રિક્ષા ચલાવતો મામદભાઇ અબ્દુલભાઇ ખુરેશી (ઉ.વ.35) નામના યુવાનને જોડિયા ગામમાં રહેતી મહિલા સાથે અગાઉ પ્રેમસંબંધ હોય અને મહિલાના લગ્ન થઇ ગયા બાદ પણ ફોનમાં વાતચીત કરતો હતો. આ વાતચીતની મહિલાના પતિને જાણ થઇ જતાં શુક્રવારે બપોરના સમયે મામદભાઇ ગોવાળની મસ્જિદ સામેથી પસાર થતો હતો ત્યારે જોડિયાના સલીમ યુનુસ ખુરેશી નામના શખ્સે બાઇક પર આવી મામદને પતાવી નાખવાની ધમકી આપી છરી વડે જીવલેણ હુમલો કરી માથામાં તથા ગળામાં અને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી. તેમજ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. કરાયેલા હુમલામાં ઘવાયેલા મામદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એમ. એ. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ ઇજાગ્રસ્ત મામદના નિવેદનના આધારે સલીમ વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.