જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી ગૌચરની જમીન સરકારની હોવા છતાં ગેરકાયદેસર પચાવી પાડી ત્રણ શખ્સો દ્વારા પ્લોટ પાડી દીધા હોવાનું જણાતા જામનગર (ગ્રામ્ય) મામલતદાર ત્રણ શખ્સો વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામના સર્વે નંબર 323માંથી હેકટર 3-10-25 આરે વાળી જમીન દિનેશ ચરણદાસ પરમાર નામના શખ્સે આઇશ્રી રમાબાઇ આંબેડકર સોશિયલ એન્ડ વેલફેર સોસાયટીના નામે રહેણાંક હેતુ માટે મેળવવા અરજી કરી હતી. ત્યારબાદ અરજદારની અરજી સોસાયટીને આનુસંગિક કારણોસર આ જમીન ખરીદવા ન માંગતા હોય તે બાબતે જામનગર કલેકટર દ્વારા દિનેશની અરજી દફતરે કરવામાં આવી હતી. તેમ છતાં હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખ ખરા અને દિનેશ ચરણદાસ પરમાર નામના ત્રણેય શખ્સોએ લાખાબાવળ ગામના સર્વે નં. 326 વાળી 2-36-00 આરે જમીન કે જે સરકારી ગૌચરની હોય, આ જમીન ત્રણેય શખ્સોએ પોતાની હોવાનું બતાવી પચાવી પાડી હતી. અને આર્થિક લાભ માટે સરકારી જમીનમાં પ્લોટ પાડી દીધા હતા. ગૌચરની જમીન ત્રણ શખ્સોએ પચાવી પાડયાનું ખુલતા જામનગર મામલતદાર (ગ્રામ્ય) રાજભદ્રસિંહ દ્વારા પંચ ‘બી’ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે લાલપુર એએસપી પ્રતિભાબેન દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.