Sunday, January 16, 2022
Homeરાજ્યહાલારખંભાળિયાના સક્રિય યુવા કાર્યકરે રાજસ્થાનમાં ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના સક્રિય યુવા કાર્યકરે રાજસ્થાનમાં ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી

સમગ્ર શહેર સાથે આહિર સમાજમાં ઘેરો શોક

- Advertisement -

ખંભાળિયામાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મૌલિક બૈડીયાવદરા નામના એક યુવાને આજરોજ વહેલી સવારે રાજસ્થાનના ઉદેપુર વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે શોકની લાગણી પ્રસરાવી છે.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા મૌલિક કિશોરભાઈ બૈડીયાવદરા નામના આશરે 34 વર્ષના યુવાન કે જે છેલ્લા ઘણા સમયથી લોક પ્રશ્નોને સક્રિય અને સચોટ રીતે વાચા આપવા માટે પ્રખ્યાત બન્યા હતા, તેમના દ્વારા સત્તાવાહકો સમક્ષ રજૂ કરવામાં આવતા મુદ્દાસર પ્રશ્નો પરિણામલક્ષી બની રહ્યા હતા. ખંભાળિયા નગરપાલિકા હસ્તકની જર્જરિત અને બિન ઉપયોગી બની રહેલી ભૂગર્ભ ગટર યોજના, ઘી નદીમાં કરવામાં આવતા પાણીના નિકાલ, જિલ્લાના રમતવીરો માટે રમત ગમતનું મેદાન ફાળવવા, અહીંની સરકારી હોસ્પિટલને લગતા વિવિધ પ્રશ્નો, સહિતના અનેક પાયાના અને મહત્વના મુદ્દે અવારનવાર સક્રિય અને મુદ્દાસરની રજૂઆતો ઉપરાંત ભૂખ હડતાલ અને આંદોલન કરી, તંત્રને દોડતું કરી મુકેલા મૌલિક બૈડીયાવદરાએ લોકોના હ્રદયમાં અનોખું સ્થાન મેળવ્યું હતું. આટલું જ નહીં, કોરોના કાળમાં તેમના દ્વારા કરવામાં આવેલી સેવા પ્રવૃતિ અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની હતી.
મહત્ત્વની બાબત તો એ છે કે તેમના દ્વારા સ્વખર્ચે પણ સેવા પ્રવૃતિ કરવામાં આવતી હતી. જેમાં અત્રે રામનગર તરફ જતા માર્ગે ગરેળામાં પાણીના વહેણ નજીકના રસ્તા પર અકસ્માતની સંભાવના ધરાવતા જાહેર રસ્તાના ખૂણે પોતાના ખર્ચે ગ્રીલ નખાવવામાં આવી હતી.
આમ, કોઈપણ જાતના દેખીતા સ્વાર્થ વગર સેવા પ્રવૃત્તિમાં સક્રિય રહેલા યુવાન મૌલિકે આજરોજ રાજસ્થાનના ઉદેપુર વિસ્તારની એક હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાના સમાચાર વાયુવેગે વહેતા થતાં લોકોએ શોક આશ્ચર્યની લાગણી અનુભવી છે. તેમના દ્વારા લેવામાં આવેલા આ ગંભીર પગલાનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી.
પરિણીત અને બે સંતાનોના પિતા એવા મૌલિક બૈડીયાવદરા છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણોસર ચિન્તાગ્રસ્ત રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે તેણે મોટરકાર મારફતે રાજસ્થાનના ઉદેપુર પહેલાના એક પેટ્રોલ પંપ પાસે કાર પાર્ક કરી અને ઝેરી દવા પી મૃત્યુની ચાદર ઓઢી લીધી હોવાનું અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
મૃતક મૌલિકના પિતા કિશોરભાઈ બૈડીયાવદરા પીડબલ્યુડીના નિવૃત કર્મચારી છે અને હાલ તેઓ કોન્ટ્રાક્ટ કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૌલિકના માતા પણ થોડો સમય પૂર્વે અવસાન પામ્યા છે. આ સમગ્ર બનાવે આહિર સમાજમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular