જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં પટેલ યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના વિષ્ણુનગરમાં રહેતાં વૃદ્ધએ બિમારીથી કંટાળી સ્મશાનના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં લખનભાઇ સુભાષભાઇ ડઢાણિયા (ઉ.વ.30) નામના પટેલ યુવાનએ અગમ્ય કારણોસર શનિવારે સવારના સમયે કોટડા બાવિસી ગામની સીમમાં આવેલી તેની વાડીમાં જઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુદ્ધ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે અરવિંદભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ કાલાવડ તાલુકાના વિષ્ણુનગર (નવા સોરઠ) ગામમાં રહેતાં વલ્લભભાઇ ગોવિંદભાઇ પડારિયા (ઉ.વ.75) નામના વૃદ્ધને માનસિક બિમારી તેમજ ડાયાબિટીસની બિમારી થઇ હતી અને વૃદ્ધાવસ્થામાં થયેલી બિમારીના કારણે જિંદગીથી કંટાળી શનિવારે વહેલી સવારે તેના ઘરેથી નીકળી ગામની સીમમાં આવેલા સ્મશાનના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની મૃતકના પુત્ર કિરીટભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એમ. એમ. ચાવડા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આદરી હતી.


