ધ્રોલ ગામમાં પંચવટી સોસાયટી સામે આવેલી જૈન વણિક બોર્ડિંગની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી એટ્રોસિટીની અરજીઓ કરવાની ધમકી આપી પિતા અને બે પુત્રો સહિતના ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસે લેન્ડગ્રેબિંગ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં પંચવટી સોસાયટી સામે આવેલી જૈન વણિક બોર્ડિંગની સિટી સર્વે કચેરીના શીટ નંબર 21, સિટી સરવે નંબર 3865ની કુલ 4731.93 ચો. મી.વાળી જમીન પૈકીના આશરે 2000 થી 2500 ચો.મી. જમીનમાં લાલજી કારા પઢિયાર, તેનો પુત્ર ગોવિંદ પઢિયા અને કાનજી પઢિયાર નામના ત્રણ શખ્સોએ આ જમીનમાં બાંધકામ કરી ફૂલઝાડ અને વાવેતર કરી ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. આ 2000 ચો. મી. જમીનમાં 500 થી 700 ચો.મી.માં બાંધકામ અને બાકીની જગ્યામાં વાવેતર, માલસામાન, ઢોર બાંધી અને ચણાનું વાવેતર કરી કબ્જો કર્યો હતો. ત્રણેય પિતા-પુત્રએ બે કરોડની કિંમતી જમીન ઉપર ગેરકાયદેસર આધાર પુરાવા વગર કબ્જો કરી અને ટ્રસ્ટી વિશ્ર્વાસભાઇ યોગેશભાઇ મહેતા સામે ખોટી રીતે એટ્રોસિટીની અરજીઓ કરવા ધમકીઓ આપી હતી અને ટ્રસ્ટની જમીન પચાવી પાડી હતી.
આ જમીન પચાવી પાડવાના પ્રકરણમાં ટ્રસ્ટી વિશ્વાસ મહેતા દ્વારા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ગ્રામ્ય ડીવાયએસપી પીયૂષ વાંદા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


