કાલાવડના કુંભનાથપરામાં રહેતી યુવતીએ ગામમાં રહેતા શખ્સ વિરૂઘ્ધ પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ શખ્સને તડીપાર કરવામાં આવ્યો હતો. દરમ્યાન જામનગરમાં યુવતીના પિતાને શખ્સ તથા યુવતીની માતાએ એકસંપ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ કાલાવડમાં કુંભનાથપરા વિસ્તારના વતની અને હાલ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા ઇરફાન હસન પટણી નામના મજૂરીકામ કરતાં યુવાનની પુત્રીએ અગાઉ કાલાવડમાં રહેતા ચિરાગ તરૂણ ઠક્કર નામના શખ્સ સામે પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે કાર્યવાહી અંતર્ગત ચિરાગને તડીપાર કર્યો હતો. તેના કારણે ચિરાગ જામનગરમાં એકલો રહેતો હતો. દરમ્યાન ઇરફાન પટણી જામનગર મહાપ્રભુજીની બેઠક પાસે ગત્ મઘ્યરાત્રિના સમયે હતો ત્યારે ચિરાગ ઠક્કરે શ્રમિકની પત્ની ખતીજાબેન ઇરફાન પટણીને તેની તરફેણમાં કરી ચિરાગ તથા ખતીજાએ ઇરફાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઇરફાન દ્વારા જાણ કરાતા હે.કો. વી. એમ. રાવલ તથા સ્ટાફએ ઇરફાનના નિવેદનના આધારે તેની પત્ની અને પુત્રીને પરેશાન કરતા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.