જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતાં યુવાને વ્યાજે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં ચાર વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મધુરમ સોસાયટીમાં રહેતાં વિજયભાઈ જેન્તીભાઈ પિત્રોડા નામના લુહાર યુવાને તેના વ્યવસાય માટે હરદેવસિંહ જાડેજા પાસેથી રૂા.50 હજાર સાડા સાત ટકા વ્યાજે લીધા હતાં તેના વ્યાજ પેટે રૂા.96000 ચૂકવી દીધા હતાં તેમજ સુભાષ સોલંકી પાસેથી 6 ટકા વ્યાજે રૂા.20 હજાર લીધા હતાં જે પેટે રૂા.10,800 ચૂકવી દીધા હતાં અને મયુરસિંહ જાડેજા પાસેથી રૂા.20 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લઇ રૂા.24 હજાર ચૂકવી દીધા હતાં અને પૃથ્વીરાજસિંહ જાડેજા પાસેથી 20 હજાર રૂપિયા 10% વ્યાજે લઇ 8000 ચૂકવ્યા હતાં. ચાર વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધેલી રકમ પેટે અમુક રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોએ વેપારીના બેંકના કોરા ચેકમાં વધુ રકમ લખી ચેક બાઉન્સ કરવાની ધમકી આપી ધંધાના સ્થળે આવી હેરાન પરેશાન કરી પઠાણી ઉઘરાણી કરતા હતાં અને મારી નાખવાની ધમકી પણ આપતા હતાં. આ બનાવ અંગે આખરે વેપારી યુવાને ચાર વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ બી એલ ઝાલા તથા સ્ટાફે વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.