Saturday, July 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર મનપામાં પ્રથમ વખત ‘વોર્ડ વાઈઝ સંવાદ’નો અનોખો પ્રયોગ - VIDEO

જામનગર મનપામાં પ્રથમ વખત ‘વોર્ડ વાઈઝ સંવાદ’નો અનોખો પ્રયોગ – VIDEO

કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે સીધી બેઠકથી વિકાસકાર્યોને મળશે નવી ગતિ

જામનગર મહાનગરપાલિકામાં શહેરના વિકાસ અને વહીવટી સંકલનને વધુ અસરકારક બનાવવા માટે પ્રથમ વખત એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના શાસક પક્ષના પાંચેય પદાધિકારીઓના સંકલન હેઠળ વોર્ડ વાઈઝ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના તમામ 16 વોર્ડના કોર્પોરેટરોને એક પછી એક ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંવાદ કરવાનો અવસર આપવામાં આવ્યો છે.

- Advertisement -

આ પ્રકારનું આયોજન જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. નવા કોર્પોરેટરોને મહાનગરપાલિકાના વિવિધ વિભાગો, અધિકારીઓ અને કામગીરીની વ્યવસ્થાની નજીકથી જાણકારી મળે તેમજ વોર્ડમાં લોકો પાસેથી મળતી ફરિયાદો અને રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવી શકાય તે હેતુથી આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 64માંથી 60 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. તેમાં મોટા ભાગના કોર્પોરેટરો પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા છે. પરિણામે પોતાના વિસ્તારમાં લોકોની સમસ્યાઓ સાંભળ્યા બાદ કયા પ્રશ્ન માટે કયા વિભાગનો સંપર્ક કરવો, કયા અધિકારી જવાબદાર છે અને કઈ પ્રક્રિયા દ્વારા કામ આગળ વધે છે તે અંગે વ્યવહારુ માહિતીની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.

- Advertisement -

શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા પણ વારંવાર એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિવિધ વિભાગો સાથે સીધું સંકલન ન હોવાના કારણે અનેક પ્રશ્નોના ઉકેલમાં સમય લાગે છે. આ જ રજૂઆતોને ધ્યાનમાં રાખીને શાસક પક્ષના પદાધિકારીઓએ અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સીધો સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો.

- Advertisement -

આ સમગ્ર આયોજનમાં મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેન મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી તેમજ દંડક પ્રવિણાબેન રપડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે.

તેમની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડના કોર્પોરેટરોને અલગ-અલગ સમય મુજબ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે સવારે શરૂ થયેલી બેઠકમાં દરેક વોર્ડના ચારેય કોર્પોરેટરોને પોતાના વિસ્તારના પ્રશ્નો, વિકાસકાર્યો, રોડ-રસ્તા, પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, જાહેર સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ સીધા સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.

બેઠકના પ્રથમ તબક્કામાં કેટલાક વોર્ડોની સમીક્ષા પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે દિવસ દરમિયાન તમામ 16 વોર્ડના કોર્પોરેટરો સાથે ચર્ચાનો દોર ચાલુ રહ્યો.

આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ રહી કે કોર્પોરેટરોને માત્ર રજૂઆત કરવાની તક જ નહીં પરંતુ જે પ્રશ્નો અગાઉ રજૂ કરવામાં આવ્યા હતા તેની હાલની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી સીધી માહિતી મળી. કયા કામ કયા તબક્કે છે, ક્યાં વહીવટી પ્રક્રિયા અટકી છે અને કયા કામને પ્રાથમિકતા આપી શકાય તે અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી.

આ પ્રયોગથી કોર્પોરેટરોને ભવિષ્યમાં પોતાના વિસ્તારના પ્રશ્નો માટે કયા અધિકારીનો સંપર્ક કરવો તેની સ્પષ્ટ સમજ પણ મળશે, જેના કારણે લોકોની રજૂઆતોનો ઝડપી નિકાલ શક્ય બનશે.

મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સતત સંવાદ રહે તો વિકાસકાર્યોમાં ગતિ આવે છે. અત્યાર સુધી ઘણી વખત કોર્પોરેટરોને વિભાગીય પ્રક્રિયા અંગે પૂરતી માહિતી ન હોવાથી સામાન્ય પ્રશ્નોના ઉકેલમાં પણ વિલંબ થતો હતો. હવે આ બેઠક દ્વારા અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થતાં સંકલનમાં વધારો થશે અને કામકાજ વધુ વ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા મળતી માહિતી મુજબ આ માત્ર એક દિવસ પૂરતો પ્રયોગ નહીં રહે. આગામી દિવસોમાં પણ સમયાંતરે આવા ‘વોર્ડ વાઈઝ સંવાદ’ યોજવામાં આવશે, જેમાં કોર્પોરેટરો પોતાની નવી રજૂઆતો ઉપરાંત અગાઉ રજૂ કરાયેલા પ્રશ્નોની પ્રગતિ અંગે પણ માહિતી મેળવી શકશે.

આ પ્રકારની બેઠકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને સંકલનમાં વધારો થશે તેમજ શહેરના વિકાસકાર્યોને વધુ ઝડપી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ વખત શરૂ કરાયેલા આ પ્રયોગને માત્ર એક બેઠક તરીકે નહીં પરંતુ જનપ્રતિનિધિ અને વહીવટી તંત્ર વચ્ચેની કાર્યસંસ્કૃતિમાં પરિવર્તન લાવતી પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો આ પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ રહેશે તો વોર્ડ સ્તરે ઉભા થતા પ્રશ્નોના ઝડપી ઉકેલ, વિકાસકાર્યોની અસરકારક દેખરેખ અને નાગરિકોની ફરિયાદોના સમયસર નિવારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular