ભાણવડ પંથકમાં ગઈકાલે શુક્રવારે સર્જાયેલી કરુણાંતિકામાં શેરીએ રમી રહેલા બાળકોથી ટ્રેક્ટર અકસ્માતે ચાલુ થઈ જતા બે બાળકો પૈકી એક બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના ઢેબર ગામની સીમમાં આવેલા મામદ જુસબ હિંગોરાના ખેતરમાં શુક્રવારે સાંજે કેટલાક બાળકો રમી રહ્યા હતા, ત્યારે અહીં ટ્રેકટર નજીક રમતા બાળકોએ એકાએક ટ્રેક્ટર ચાલુ કરી દેતા બે બાળકો સાથે ટ્રેક્ટર કુવામાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં ઇબ્રાહિમ મામદ હિંગોરા (ઉ.વ.11) નામના એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઢેબર ગામમાં બનેલા બનાવ અંગેની જાણ થતા પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન નાના એવા ગામમાં ચેતવણીરૂપ કિસ્સાના કારણે અરેરાટી ફેલાઇ ગઇ હતી.