જામનગર શહેરના લાલવાડી, શાંતિવન સોસાયટીમાં રહેતાં વૃદ્ધે બિમારીથી કંટાળી તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલી શાંતિવન સોસાયટીની શેરી નંબર 6માં રહેતાં જેન્તીલાલ અમૃતલાલ ગણાત્રા (ઉ.વ.89) નામના વૃદ્ધને છેલ્લા પાંચ વર્ષથી બ્લડેપ્રેસરની તકલીફ હતી અને દવા પણ ચાલુ હતી. તે દરમ્યાન છેલ્લા ત્રણ વર્ષથી મગજની નસ દબાતી હોવાના કારણે શરીરમાં દુખાવો રહેતો હતો. જેથી જિંદગીથી કંટાળીને રવિવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વૃદ્ધને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની મૃતકના પુત્ર નૈમિષભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ આર. એ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


