દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા રોયલ્ટી વગર થતી ખનીજની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પોલીસ મથકના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સાની ડેમમાંથી ગેરકાયદેસર રીતે પોતાના વાહનો મારફતે રોયલ્ટી કે પાસ-પરમિટ વગર ટ્રેક્ટરની ટ્રોલીમાં બિન-અધિકૃત રીતે રેતી ભરીને જતા જુદા જુદા સાત ટ્રેક્ટરો પોલીસે કબજે લીધા છે.

જેમાં કલ્યાણપુર તાલુકાના ચુર ગામના ભરત વજશી, કાના અરશી, સુનિલ કરસન, સુમાત દેશુર, મેરામણ કાના, કરણા મેરામણ અને ભીખા લખમણ નામના સાત શખ્સો સામે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
એલસીબી પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બોકસાઈટ (ખનીજ)નું ખનન કરવા સબબ વજસી સવદાસ લગારીયા અને સવદાસ કેશુ લગારીયા સામે જરૂરી કાર્યવાહી કરી, આ અંગે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. એલસીબી પી.આઈ. એન.એચ. જોશીની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી.


