Thursday, June 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કસ્ટમ હાઉસના ડીમોલીશન દરમિયાન છત ધરાશાયી, ત્રણ મજુરો દબાયા - VIDEO

જામનગરમાં કસ્ટમ હાઉસના ડીમોલીશન દરમિયાન છત ધરાશાયી, ત્રણ મજુરો દબાયા – VIDEO

ફાયર શાખાની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને રેસ્કયુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા

જામનગર શહેરમાં ત્રણ દરવાજા નજીક આવેલ કસ્ટમ હાઉસના જર્જરીત બિલ્ડીંગના ડીમોલીશનની કામગીરી દરમિયાન છતનો ભાગ ધરાશાયી થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મજુરો કાટમાળ હેઠળ દબાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય મજુરોને રેસ્કયુ કરી સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસ વાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ડિમોલિશન કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની છતનો એક ભાગ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દબાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવી દબાયેલા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

- Advertisement -

ઇજાગ્રસ્ત શ્રમિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે વધુ ગંભીર જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કસ્ટમ હાઉસ વાળું જૂનું બિલ્ડીંગ તોડવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાકટ અપાયો છે, અને તેના 10 માણસો દ્વારા પાડતોડ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, દરમિયાન સવારે 10.30 વાગ્યાના અરસામાં ઉપરની છતનો હિસ્સો તુટતા પૂરતા દુર્ઘટના સર્જાઇ હતી, અને સુનિલ દિનેશભાઇ પરમાર (ઉ.વ.26), પ્રકાશ જીવાભાઈ ડાભી (ઉ.વ.36) અને મુન્નાભાઈ જીવાભાઈ ડાભી (ઉંમર વર્ષ 38) નામના ત્રણ શ્રમિકો દબાયા હતા, અને ત્રણેયને રેસ્ક્યુ કરી લઈ સારવારમાં ખસેડ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સિક્યુરિટી ઇન્ચાર્જ અધિકારી અનવર ગજ્જણ ઉપરાંત ધમભા જાડેજા સહિતની ટિમો બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરાવી હતી. અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમગ્ર બનાવવામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ડિમોલીશન કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાયા બાદ એકાએક વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, જેના કારણે આગળની ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular