Thursday, June 18, 2026
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિરના વહીવટદાર સામે માનવ અધિકાર ભંગની ફરિયાદ મામલે આયોગ કડક

દ્વારકાધીશ મંદિરના વહીવટદાર સામે માનવ અધિકાર ભંગની ફરિયાદ મામલે આયોગ કડક

કલેક્ટર અને પોલીસ તંત્ર પાસેથી માંગ્યો ખુલાસો

દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પોલીસ તંત્ર વિરુદ્ધ જામનગરના જાણીતા તબીબ દંપતી દ્વારા કરવામાં આવેલી માનવ અધિકાર ભંગની અરજી મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે ગંભીર નોંધ લીધી છે. આયોગે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડો. કે. જે. ઠાકર અને સદસ્ય બી. એસ. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયેલી સુનાવણી દરમિયાન અરજદાર તબીબ દંપતી, તેમના વકીલ તેમજ દેવભૂમિ દ્વારકાના વિવિધ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન આયોગે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
અરજદાર જામનગરના સરકારી તબીબ ડો. વિવેક શુકલા અને ડો. શ્રીલેખા શુકલાએ પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે, દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ તથા તેમના સ્ટાફ દ્વારા તેમની સાથે આપખુદશાહીભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ દ્વારા તેમની સામે ખોટી ફરિયાદ દાખલ કરી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું કે મંદિર વહીવટદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય જણાતી નથી. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિર સંકળાયેલા આવા પ્રકારના બનાવોની આ ચોથી ઘટના હોવાનું સામે આવતા આયોગે ખાસ ગંભીરતા દર્શાવી છે.આયોગે જિલ્લા કલેક્ટરને વ્યક્તિગત રીતે સમગ્ર મામલાની તપાસ કરવા અને અરજદારની રજૂઆતો સાંભળીને નિષ્પક્ષ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. કારણ કે તપાસનો વિષય મંદિરના વહીવટદાર સાથે સંકળાયેલો હોવાથી ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા તપાસ જરૂરી હોવાનું આયોગે સ્પષ્ટ કર્યું છે.

- Advertisement -

મામલાનો સૌથી મહત્વનો મુદ્દો એ રહ્યો કે આયોગે પોલીસ તંત્રને સવાલ કર્યો છે કે પ્રતિષ્ઠિત તબીબ દંપતીને બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં કયા કારણોસર બેસાડી રાખવામાં આવ્યા હતા. આ અંગે સંબંધિત પોલીસ અધિકારી પાસેથી લેખિતમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે.

સુનાવણી દરમિયાન ડીવાયએસપી રાઠોડે અરજદારની રજૂઆતોને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની મૌખિક બાંહેધરી આપી હોવાનું પણ નોંધાયું હતું. બીજી તરફ અરજદાર પક્ષે દ્વારકા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ સંબંધિત એફિડેવિટ રેકોર્ડ પર લેવા માટે અરજી રજૂ કરી હતી.

- Advertisement -

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે હવે આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈ 2026ના રોજ બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સ મારફતે નક્કી કરી છે. તમામ સંબંધિત અધિકારીઓને તપાસ અહેવાલ સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર જેવા અતિ મહત્વના ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા આ મામલે માનવ અધિકાર આયોગે દાખવેલી ગંભીરતા અને ઉચ્ચ અધિકારીઓને કરાયેલા આદેશોને કારણે સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર મંડાઈ છે. આગામી સુનાવણીમાં રજૂ થનારા અહેવાલો બાદ કેસમાં મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular