Thursday, June 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મેઘરાજાના ધમાકેદાર આગમનથી શહેરીજનો ખુશ - VIDEO

જામનગરમાં મેઘરાજાના ધમાકેદાર આગમનથી શહેરીજનો ખુશ – VIDEO

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી : માત્ર 20 મીનીટમાં પોણો ઇંચ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા

જામનગરમાં આકરા તાપ બાદ આજે મેઘરાજાના ધમાકેદાર આગમનથી જામનગરવાસીઓ ખુશ થઇ ગયા હતાં. માત્ર 20 મીનીટના ટુંકાગાળામાં પોણો ઇંચ વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. વરસાદના પરીણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લાના લોકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી પહોંચી છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત બનેલા નગરજનોને આજે મેઘરાજાએ રાહતનો અહેસાસ કરાવ્યો હતો. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોસમના પ્રથમ નોંધપાત્ર વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

સવારે 11.00 વાગ્યા બાદ અચાનક આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ શરૂ થયેલા વરસાદે આશરે 15 થી 20 મિનિટ સુધી પોતાની હાજરી નોંધાવી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ ઝાપટું રાહત અને ખુશી બંને લઈને આવ્યું હતું.

વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેટલાક યુવાનો અને બાળકો વરસાદમાં ભીંજાઈને મોસમની પ્રથમ વરસાદી મજા માણતા નજરે પડ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ હતી.

- Advertisement -

જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની અસર જોવા મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે, કારણ કે ચોમાસાની શરૂઆતના સંકેતો વચ્ચે કૃષિ કાર્યને નવી આશા મળી છે.

હાલ આકાશમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે આગામી કલાકોમાં વધુ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72 ટકા જ્યારે પવનની ગતિ 13.1 કિલોમીટર પ્રતિ કલાક ની રહી હતી.

મોસમના પ્રથમ વરસાદી ઝાપટાં બાદ હવે નગરજનોની નજર આગામી સારા વરસાદ પર મંડાઈ છે અને મેઘરાજા સતત મહેરબાન રહે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં 20 મિનિટ સુધી પડેલા વરસાદી ઝાપટાંના કારણે પોણો ઇંચ વરસાદ થયો હોવાનું જાહેર થયું છે. પ્રથમ દિવસે જ પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાતાં શહેરીજનો ખૂબ ખૂશખુશાલ બન્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular