જામનગરના દશાશ્રીમાળી વણિક મંડળના બે વર્ષના કાર્યકાળ માટે સર્વાનુમતે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રકાશભાઇ દોશીની બિનહરીફ નિમણુંક કરવામાં આવી હતી.
જામનગરની અગ્રણી જૈન સંસ્થા શ્રી દશાશ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી) ખાતે બે વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાં નવી કારોબારીની રચના માટે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સંસ્થાના આગેવાનો અને સભ્યો વચ્ચેના સુમેળ, એકતા અને સહમતિના કારણે ચૂંટણીની જરૂરિયાત ઉભી થઈ નહોતી અને સમગ્ર કારોબારી બિનહરીફ જાહેર કરવામાં આવી હતી.
સંસ્થાના જૈન અગ્રણી નિલેશભાઈ કગથરા, નિલેશભાઈ ઉદાણી, હસમુખભાઈ શાહ (ગટુભાઈ), મંગલભાઈ શાહ તેમજ મહેન્દ્રભાઈ કોઠારીના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દોશીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત નવી કારોબારીમાં સંજયભાઈ ટોલીયા, રાજુભાઈ કામદાર, જીગ્નેશભાઈ શાહ, પુનિતભાઈ શેઠ, સુનિલભાઈ કોઠારી, સંદીપભાઈ પતિરા, પંકજભાઈ વાધર, સામળસા ઉદાણી, પ્રેમભાઈ શેઠ તેમજ નિશાંતભાઇ પારેખ સહિતના કારોબારી સભ્યો તરીકે બિનહરીફ જાહેર થયા હતા.
વિશેષ નોંધનીય બાબત એ છે કે શ્રી દશાશ્રીમાળી વણિક મંડળમાં છેલ્લા અંદાજે 25 વર્ષથી પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોની બિનહરીફ વરણી થતી આવી છે. આ પરંપરા સંસ્થાના સભ્યો વચ્ચે રહેલા પરસ્પર વિશ્વાસ, એકતા, સંગઠનશક્તિ અને સુમેળનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
નવી કારોબારીની રચના બાદ સંસ્થાના સભ્યો અને આગેવાનોએ તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આગામી કાર્યકાળ દરમિયાન સમાજહિત અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.


