Thursday, July 10, 2025
Homeરાજ્યગુજરાતરહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ડયુટીની 80 ટકા રકમ માફ

રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ડયુટીની 80 ટકા રકમ માફ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમવર્ગીય પરિવારો-લોકોને આવાસ તબદિલીઓ માટે ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.

- Advertisement -

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમવર્ગના લોકો ઉપર આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના, મધ્યમવર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર, હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.

આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. આવા તબદિલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.

- Advertisement -

અહીં નોંધનીય છે કે આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે જ લાગુ પડશે. અગાઉ 4 મહિના પહેલાં રાજ્ય સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીને લઈ મહત્ત્વનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત હવે ઘરની ખરીદ-વેચાણ સમયે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ જ ફી લઈ શકાશે.

ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યક્તિ પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હોય છે. આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવે, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી. રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિને અટકાવવા, ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરેલ હતું જેના અનુસંધાને વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલ સુધારા અંતર્ગત નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

- Advertisement -

અને તે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી, તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે, જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેમના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં. આ નિયમો અનુસાર કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવેલ હશે તોપણ કોઈ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. ઉપરાંત કોઇપણ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટીઓ વસૂલ કરી શકશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular