જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારની દરેક શેરીઓમાં લુખ્ખાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. તેમજ આ વિસ્તારમાં હવે તો કુટણખાના પણ શરૂ થઇ ગયા છે. પોલીસે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં ચાલતા કુટણખાનામાં રેઇડ દરમ્યાન મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર નવના છેડે આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં ભાડેથી રહેતા મહિલા દ્વારા બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવી કુટણખાનુ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન બેનસોની દ્વારા કુટણખાનુ ચલાવાતું હતું. પોલીસે રેઇડ દરમ્યાન ભાડે મકાનમાં રહેતાં મહિલા તથા ગ્રાહક તરીકે આવેલા નિતેશ શાંતિલાલ વસા અને ફીરોઝ અબ્દુલ ચૌહાણ સહિતના ત્રણ શખ્સને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 35,020નો મુદામાલ કબ્જે કરી ત્રણેયની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય બાબત એ છે કે, શહેરના પટેલ કોલોની જેવા પોશ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી લુખ્ખાઓનો ત્રાસ વધતો જાય છે. પોલીસ દ્વારા માત્ર મુખ્ય રોડ પર કયારેક કયારેક પેટ્રોલિંગ કરી સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ અંદરના રોડ પર જાહેર રોડમાં ઘણી વખત તો મહેફિલો માણતા હોય છે. પસાર થતાં શહેરીજનોને કારણ વગર માર મારી ધમકીઓ આપવામાં આવે છે. આવી ઘટનઓ તો સામાન્ય બની ગઇ છે. પરંતુ હવે તો આ પોશ વિસ્તારમાં કુટણખાનુ ઝડપાતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે.