Thursday, March 28, 2024
Homeરાજ્યગુજરાતબીજા તબકકામાં 61 ટકા મતદાન

બીજા તબકકામાં 61 ટકા મતદાન

મુખ્યમંત્રી સહિત કુલ 833 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયાં

- Advertisement -

ગુજરાત વિધાનસભાની 96 બેઠકો માટે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 61 ટકા અંદાજીત મતદાન થયું છે, જેમાં બે થી ત્રણ ટકાનો વધારો થઇ શકે છે. રાજ્યના 14 જિલ્લામાં થયેલા આ મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 61 પક્ષો ઉપરાંત અપક્ષો મળીને કુલ 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં 69 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. પહેલા તબક્કાની ચૂંટણીનું કુલ મતદાન 64.14 ટકા નોંધાયું હતું. ભારતના ચૂંટણી પંચના ફાઇનલ આંકડા આવતીકાલે આવશે ત્યારે બન્ને તબક્કાનું કુલ મતદાન 63 થી 65 ટકા રહે તેવી સંભાવના છે. 2017ની ચૂંટણીમાં કુલ મતદાન 69.69 ટકા થયું હતું. બીજા તબક્કા માટે કુલ 2.51 કરોડ મતદારો માટે 26409 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

બન્ને તબક્કાની મતગણતરી અને પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની હાર-જીતનો ફેંસલો થશે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે રાજ્યના 14 જિલ્લામાં સવારે નવ કલાકે 4.75 ટકા, 11 કલાકે 19.17 ટકા, બપોરના એક કલાકે 34.74 ટકા અને ત્રણ કલાકે 50.51 ટકા મતદાન થયું છે. સાંજે મળેલા આંકડા પ્રમાણે સરેરાશ 60 ટકા મતદાન થયું છે જે પૈકી સૌથી વધુ 66 ટકા સાબરકાંઠા અને સૌથી ઓછું 52 ટકા અમદાવાદ જિલ્લાનું છે. સવારના સમયમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં મતદારોની લાઇન લાગી હતી પરંતુ બપોર પછી લાઇન ઓછી થઇ હતી. બીજા તબક્કામાં પણ ચાર ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામોમાં બહુચરાજીના બરીયફ તેમજ ખેરાલુના વરેઠા, ડાલીસણા અને ડાવોલનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે અમદાવાદમાં મત આપ્યો હતો. એ ઉપરાંત મુખ્યમંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરના રાયસણમાં મત આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular