ધ્રોલ-ટંકારા માર્ગ વધુ એક વખત રક્તરંજિત થયો હતો. ગઇકાલે સાંજના સમયે દ્વારકાથી દર્શન કરીને મોરબી પરત ફરી રહેલાં દર્શનાર્થીઓની કાર સાથે ઓવરટેક કરવા આવેલી અર્ટીગા કાર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં દર્શનાર્થી યુવક અને અર્ટીગા કારમાં મુસાફરી કરતી બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના રોઝિયા ગામના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતાં પરેશભાઇ ભૂરાભાઇ બાંભવા (ઉ.વ.21) નામનો યુવક તેના મિત્રો સાથે પોતાની જીજે10 ડીએન 0963 નંબરની બલેનો કારમાં દ્વારકા દર્શન કરવા ગયા હતા. દ્વારકાથી ગઇકાલે પરત ફરતા હતા ત્યારે ધ્રોલ તાલુકાના લતીપુર ગામ નજીક ગૌશાળા પાસેના ટંકારા રોડ ઉપર સાંજના સાડા પાંચ વાગ્યાના સમયે સામેથી આવી રહેલા વાહનને ઓવરટેક કરી રહેલી જીજે01 આરએફ 0677 નંબરની અર્ટીગા કારના ચાલકે યુવકની બલેનો સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પરેશના ભાઇને હાથમાં તથા આંખમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ પરેશનો મિત્ર કાનજીભાઇ રવજીભાઇ વાઘાણી (ઉ.વ.28) નામના યુવાનને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
View this post on Instagram
તેમજ અર્ટીગા કારમાં બેસેલા પૂજાબેન રામગર અપારનાથી (ઉ.વ.36) તથા પૂજાબેન ઉર્ફે જાગુબેન તેજસભાઇ અપારનાથી (ઉ.વ.24) નામના બન્ને મહિલાઓને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ બન્ને કારમાં બેસેલા અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્મતમાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે ધ્રોલ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કાનજીભાઇ રવજીભાઇ વાઘાણી, પૂજાબેન રામગર અપારનાથી અને પૂજાબેન ઉર્ફે જાગુબેન તેજસભાઇ અપારનાથી નામના ત્રણ વ્યક્તિઓના મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં પીએસઆઇ એમ. એમ. કુંભારવાડિયા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. ત્રણેય મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા અને અર્ટીગા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


