
જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં રહેતા વેપારી યુવાનને મહિલાએ પ્રેમજાળમાં ફસાવી ન્યુડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ત્રણ શખ્સોએ અવાર-નવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી ધમકી આપી એક લાખ રૂપિયાનો સોનાનો હાર પડાવી લઇ જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, મુળ કચ્છના ગાંધીધામ તાલુકાના આદિપુર ગામનો વતની અને હાલ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર સાધનાકોલોની વિસ્તારમાં રહેતાં અલ્પેશ ચંદુભાઈ વાળા નામના વેપારી યુવાનને રેખાબા પ્રવિણસિંહ ઝાલા નામની મહિલાએ 2021મા પ્રેમજાળમાં ફસાવ્યો હતો. તે દરમિયાન રેખાબાએ તેના પતિ પ્રવિણસિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સહિતના ત્રણ શખસોએ એકસંપ કરી અલ્પેશને ન્યુડફોટા સોશિયલમીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી અને કઢાવ્યા હતાં. તેમજ પતાવી દેવાની ધમકી આપી એક લાખની કિંમતનો સોનાનો હાર બળજબરીપૂર્વક પડાવી લીધો હતો. ઉપરાંત ત્રણેય શખ્સોએ યુવાનના ઘરમાં પ્રવેશ કરી તોડફોડ અને નુકસાની પહોંચાડી હતી તેમજ અવાર-નવાર જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.
દંપતી સહિતના બણ શખ્સોના ધમકી આપી પૈસા પડાવવાના કારસ્તાનથી કંટાળી ગયેલા વેપારી યુવાન આખરે પોલીસના શરણે ગયો હતો પરંતુ પોલીસે પણ શરૂઆતમાં તો ફરિયાદ માટે મચક આપી ન હતી. ત્યારબાદ આખરે પોલીસે વેપારી યુવાનના નિવેદનના આધારે મહિલા સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.