જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતો પરપ્રાંતિય યુવાન ખાનગી કંપનીના વિસ્તારમાં ઝાડી-ઝાંખરાની સફાઇ અને કટીંગનું કામ કરતો હતો ત્યારે ગેઇટ ઉપરથી પગ લપસી જતાં નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચવાથી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ થાણા બરખેડા તાલુકાના કરાડિયા ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રહેતો જોરાવરસિંહ લક્ષ્મણ નાયક (ઉ.વ. 42) નામનો યુવાન ગત્ તા. 25ના ખાનગી કંપનીના રણથંભોર ગેટ ઉપર ઝાડી-ઝાંખરાની સફાઇ અને કટીંગનું કામ કરતો હતો. દરમ્યાન તેનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા જોરાવરસિંહને ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે ખાનગી કંપનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે સુરેશકુમાર દ્વારા જાણ કરાતા હે.કો. એ. એચ. નોઇડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


