જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા સનસિટી વિસ્તારમાં રહેતાં પૈસા માંગવાની બાબતે બે શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મોટા પીર ચોકમાં રહેતો અફઝલ અબ્દુલકાદરભાઇ સમા નામના યુવાનના મિત્ર સલીમ ઉર્ફે બાપુડી પાસે અબ્દુલ સુમરા નામનો શખ્સ પૈસા માંગતો હતો. દરમ્યાન સોમવારે મદ્યરાત્રિના સમયે અફઝલ અને સલીમ બાઇક પર જતા હતા ત્યારે કાલાવડ નાકા બહાર સનસિટી-1માં અબ્દુલ સુમરા, સલીમ સુમરા નામના બે શખ્સોએ બન્ને મિત્રોને ઉભા રાખી જેમ ફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. પૈસા માંગવાની બાબતે બે શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં અફઝલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. બી. જે. જાડેજા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


