જામનગર શહેરના નવાગામ ઘેડના ખડખડનગર વિસ્તારમાં રહેતાં મહિલા વકીલના ઘરે આવી બાળકને કચરો ન કરવાની બાબતે વકીલને બે-ત્રણ ફડાકા ઝીંકી કબાટના કાચ તોડી નાખી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગરમાં રહેતા અને વકીલાત કરતા તનિષાબેન તૌસિફભાઇ બુખારી નામના મહિલાનો પુત્ર તેના ઘરમાં રમતો હતો ત્યારે બાજુમાં રહેતા ઇમ્તીયાઝ ઉર્ફે બાજુ બાપુ હુસેન સૈયદ નામના શખ્સે મહિલા વકીલ પાસે આવીને કહ્યું કે, “આ તારા દીકરાને કહે, ઘરમાં કચરો ન કરે.” તેમ જણાવતા મહિલાએ નાનો છોકરો છે કચરો હું સાફ કરી નાખીશ” તેમ કહેતા ઉશ્કેરાયેલા ઇમ્તીયાઝે મહિલા સાથે જેમ ફાવે તેમ બોલી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. અને મહિલાને બે-ત્રણ ફડાકા ઝીંકી લોખંડના કબાટના કાચ તોડી નાખી નુકશાન પહોંચાડયું હતું. તેમજ ધારા દીકરાને ઘરમાં જ રાખજે અહીં ખોટા કચરા કરવા ન દેતી નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલા વકીલ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફે શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.