દેવભુમી દ્વારકા જિલ્લાના ઓખા મઢી નજીક આજે અંધશ્રધ્ધામાં ધુણવા લાગેલી મહિલા ઉપર પાંચ જેટલાં શખ્સોએ ડામ આપી લોખંડની સાકળ વડે આડેધડ માર મારી જીવલેણ હુમલો કરતાં મહિલાનું મોત નિપજતાં બનાવ હત્યામાં બનતા પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી.
અરેરાટી જનક બનાવની વિગત મુજબ દેવભુમિ દ્વારકા જીલ્લાના ઓખા મઢી નજીકના વિસ્તારમાં આજે અકલ્પનીય ઘટના બની છે અને માણસ અંધશ્રધ્ધામાં કેટલું નુકસાન કરે છે અને કોઇનો જીવ લેતા પણ અચકાતા નથી. તેવા બનાવમાં રમીલાબેન વાલાભાઇ સોલંકી(ઉ.વ.25) નામની મહિલા ધુણવા લાગતા તેને માતાજી છે તેવું જણાતા પાંચ જેટલાં શખ્સોએ મહિલાએ લોખંડની સાંકળથી આડેધડ માર માર્યો હતો અતે સળગતા ડામ આપી જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચવાથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ મહિલા ઉપર હુમલો કરનારાઓની કૃરતા એટલી હતી કે શરીર ઉપર અને ગળામાં તેમજ છાતીના ભાગે તથા માથામાં ડામ આપ્યા હતાં.
બનાવની જાણ થતાં દ્વારકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાનો મૃતદેહનો કબ્જો સંભાળી જામનગર જી.જી.હોસ્પિટલમાં પીએમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી. આ બનાવ અંગે મૃતક મહિલાના બ્લડ સેમ્પલ અને કપડાં પણ કબ્જે કરી પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે હત્યાના બનાવમાં મૃતકના પતિના નિવેદનના આધારે કુુંટુંબના ભુવા અને અન્ય કુંટુંબીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી.