જામનગર શહેરમાં વિધવા સહાય મેળવવા માટે વિશ્વાસમાં લઇ જુદાં જુદાં ક્યુઆર કોડ અને યુપીઆઇ મારફતે મહિલા દ્વારા કટકે કટકે રૂા. 17,13,979નું ટ્રાન્જેક્શન કરી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર, રાજપાર્ક વિસ્તારમાં રહેતાં ઓમપ્રકાશ રાજારામ ચોધરી નામના યુવાન પાસે ખોડિયાર કોલોની વિસ્તારમાં દેવલ મોટરવાળી શેરીમાં આદર્શ સોસાયટી, શેરી નંબર બેમાં રહેતાં ગીતાબેન રસિકલાલ ખારેચાએ ઓમપ્રકાશને વિશ્વાસમાં લઇ વિધવા સહાયના રૂપિયાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. આ જરૂરિયાતના નામે ઓમપ્રકાશનો વિશ્વાસ કેળવી તેની પાસેથી અલગ અલગ ક્યુઆર કોડ તથા યુપીઆઇ આઇડી દ્વારા ઓમપ્રકાશ ચૌધરી પાસેથી સમયાંતરે રૂા. 17,13,979નું ટ્રાન્ઝેક્શન કરાવી આ રૂપિયા પરત આપતા ન હતાં. અવારનવાર રૂપિયાની માંગણી કરવા છતાં સંતોષકારક પ્રત્યુત્તર ન મળતાં ઓમપ્રકાશે આખરે સિટી ‘બી’ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆ ડી. જી. રાજ તથા સ્ટાફએ મહિલા વિરૂદ્ધ રૂા. 17 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


