Monday, September 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કૃત્રિમ કુંડમાં 3,200થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન - VIDEO

જામનગરમાં કૃત્રિમ કુંડમાં 3,200થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન – VIDEO

જામનગર શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે થઈ રહી છે ત્યારે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા પણ પ્રશંસનીય બની રહી છે. નદી, ડેમ કે તળાવમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે ત્યારે એક તરફ જળાશયના પર્યાવરણને નુકસાન થવાની શક્યતા રહે છે, તો બીજી તરફ ઊંડા પાણીમાં વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાઈ લોકોના ડૂબી જવાના બનાવો પણ અગાઉ સામે આવતા રહ્યા છે. આવી ઘટનાઓને અટકાવવાના હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી જામનગર મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ તૈયાર કરી ગણેશ વિસર્જનની વૈકલ્પિક અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

- Advertisement -

આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બે સ્થળોએ વિશાળ કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ખંભાળિયા બાયપાસ પાસે તેમજ સરદાર રિવિરા સોસાયટીના પાછળના ભાગે તૈયાર કરાયેલા બંને કુંડનું માપ અંદાજે 50 બાય 20 મીટર રાખવામાં આવ્યું છે. કુંડમાં તાડપત્રી પાથરીને મૂર્તિઓના વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને જળાશયોમાં જવાની જરૂર ન પડે અને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન પણ સુવ્યવસ્થિત રીતે થઈ શકે.

જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ બ્રાન્ચના અસિસ્ટન્ટ ઇજનેર નીરવ ભગવાનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ, બંને કૃત્રિમ કુંડ ખાતે વિસર્જન માટે આવનારા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પૂજા માટે ટેબલ, પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોક સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પોલીસ સ્ટાફ, ફાયર વિભાગનો સ્ટાફ અને મેડિકલ ટીમની હાજરી પણ રાખવામાં આવી છે.

- Advertisement -

કૃત્રિમ કુંડની ઉપયોગિતા અંગે વાત કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં બંને કુંડમાં અંદાજે 3,200 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. વિસર્જનના સાતમા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બંને સ્થળોએ પહોંચી રહ્યા છે અને ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન થતું હોવા છતાં સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આગળ વધે તે માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.

- Advertisement -

વિસર્જન પ્રક્રિયા દરમિયાન મોટી મૂર્તિઓને કુંડમાં ઉતારવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે લોકોની સુરક્ષા માટે ફાયર વિભાગની ટીમ, પોલીસ સ્ટાફ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, મેડિકલ ટીમ તેમજ તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા છે. આ વ્યવસ્થાના કારણે શ્રદ્ધાળુઓને ગણેશ વિસર્જન દરમિયાન ઊંડા પાણીમાં જવાની જરૂર પડતી નથી અને અકસ્માતની સંભાવના પણ ઘટાડી શકાય છે. તંત્ર દ્વારા ખાસ કરીને લોકોને કૃત્રિમ કુંડની અંદર ન જવા તથા સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ગણેશ વિસર્જન માટે ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ભક્તિ અને આસ્થા સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવાની સાથે પરિવારજનોની સુરક્ષા જળવાઈ રહે તેવો વિકલ્પ મળતા લોકો મહાનગરપાલિકાની વ્યવસ્થાને વખાણી રહ્યા છે. એક તરફ કુદરતી જળાશયોમાં થતું સંભવિત પર્યાવરણીય નુકસાન ટાળી શકાય છે અને બીજી તરફ ડેમ, નદી કે તળાવમાં વિસર્જન દરમિયાન સર્જાઈ શકતા અકસ્માતોનું જોખમ પણ ઓછું થાય છે.

આમ, ગણેશોત્સવની ધાર્મિક ભાવનાને જાળવી રાખવાની સાથે પર્યાવરણ અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતી જામનગર મહાનગરપાલિકાની કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે ઉપયોગી અને સુરક્ષિત વિકલ્પ બની રહી છે. હજારો ગણેશ પ્રતિમાઓનું અત્યાર સુધીમાં સલામત રીતે વિસર્જન થવું આ વ્યવસ્થાની ઉપયોગિતા દર્શાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular