જામનગર તાલુકાના ચેલા ગામમાં વિઝન ઈન્ડસ્ટ્રીઅલમાં પ્લોટ નંબર 333માં આવેલા કારખાનામાં ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા ત્રણ શ્રમિકો પૈકી નેપાળી યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલ વિઝન ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારના પ્લોટ નંબર 333માં આવેલા એલાઇટ મેટલ નામના રીસાયકલ કારખાનામાં સોમવારે સવારના સમયે ઇલેકટ્રીક ભઠ્ઠીમાં પીત્તળનો માલ ઓગાળવાનું કામ ચાલુ હતુ ત્યારે ભઠ્ઠીમાં પીત્તળનો ગેસ બનેલ હોય તેની ઉપર જામી ગયેલું પડ દિલબહાદૂર નામના શ્રમિક દ્વારા સળિયાથી હટાવવા જતાં એકાએક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેમાં ભઠ્ઠીમાં ઉપરના ભાગે કામ કરતાં હરિઓમ રાજપૂત (ઉ.વ.19) ના શરીર ઉપર પીત્તળનો રસ ઉડતાં શરીરે તથા હાથ-પગમાં દાઝી ગયો હતો. તેમજ દિલબહાદૂર આઇટે સુનાર (ઉ.વ.43) (દોધારા ગામ, જિલ્લો કંચનપુર, નેપાળ) નામના શ્રમિક યુવાન ઉપર પીત્તળનો ગરમાગરમ રસ પડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો.
આમ, પીત્તળનો રસ ઉડતાં દાઝી ગયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા નેપાળના દિલબહાદૂર નામના શ્રમિક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મંતોષસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ. બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી આરંભી હતી.


