મતદાનના પ્રથમ તબકકામાં જામનગર જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો પર ગઇકાલે મતદાન શાંતિપૂર્ણ થયું હતું. જિલ્લાની પાંચેય બેઠકો પર સરેરાશ 60.01 ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જિલ્લામાં દિવસ દરમ્યાન કોઇપણ અનિચ્છનિય બનાવ વગર સૌહાદભર્યા વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં જિલ્લા ચૂંટણી તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ સાથે જ પાંચેય બેઠકના 45 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ થઇ ગયું હતું.
જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે ગઇકાલે સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. શહેરી વિસ્તારમાં સવારના ભાગે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાંબી-લાંબી કતારો જોતાં એક સમયે લાગતું હતું કે, મતદાનના અગાઉના તમામ રેકોર્ડ બ્રેક થઇ જશે. પરંતુ ધીમે-ધીમે મતદાનમાં શુષ્કતા આવી ગઇ હતી અને મતદાન પૂર્ણ થતાં સુધીમાં માંડ-માંડ 59.29 ટકાએ આંકડો પહોંચી શકયો હતો. વિધાનસભા બેઠક વાઇઝ મતદાનના આંકડા જોઇએ તો કાલાવડની અનામત બેઠક પર 55.70 ટકા મતદાન નોંધાયું હતું. જયારે જામનગર ગ્રામ્યની બેઠક પર 63.91, જામનગર ઉતરની બેઠક પર 57.82, જામનગર દક્ષિણની બેઠક પર 57.27 જયારે જામજોધપુરની બેઠક પર જિલ્લાનું સૌથી વધુ 65.43 ટકા મતદાન નોંધાયું હતું. સમગ્ર મતદાનની પ્રક્રિયા દરમ્યાન કુલ 397834 પુરૂષ મતદારો જયારે 327478 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. જામનગર જિલ્લાની પાંચેય બેઠક પર પ્રથમ ત્રણ કલાકમાં 21.56 ટકા મતદાન નોંધાયું હતું. જયારે બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો 30.35 ટકાએ પહોંચ્યો હતો જે બપોરે 3 વાગ્યે વધીને 45.68 ટકાએ પહોંચ્યો હતો. અંતિમ બે કલાકમાં 14 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આદર્શ મતદાન મથક સહિતની વ્યવસ્થા ચુંટણી તંત્ર દ્ારા કરવામાં આવી હતી. જેને કારણે કેટલીક સામાન્ય ફરિયાદોને બાદ કરતાં સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા પાર પડી હતી. આગામી પાંચ ડિસેમ્બરે બીજા તબકકાના મતદાન બાદ આઠમી ડિસેમ્બરે જામનગરની હરિયા કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં જિલ્લાની પાંચેય બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.મતદાન પૂર્ણ થયા બાદ ત્રણેય મુખ્ય હરિફ પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તરફેણમાં મતદાન થયાના દાવાઓ કર્યા હતા. જો કે, મતદારોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે તો 8 ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે. 2017ની તુલનાએ આવક વખતે મતદાનમાં પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોય ચૂંટણી પંડિતોના ગણિત ગોટાળે ચડયા છે. મતદાનમાં કોઇ સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળ્યો ન હોવાનું રાજકીય પંડિતો જણાવી રહયા છે.