જામનગર શહેર માટે ગૌરવની વાત છે કે અહીંના બે નાનકડા વિદ્યાર્થીઓએ સાહસ, દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસથી એક અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત KMGIS સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા 9 વર્ષના વિહાન ચેતરીયા અને માનિત રાઠોડે હિમાચલ પ્રદેશના કસોલ વિસ્તારમાં 13,850 ફૂટ જેટલી ઊંચાઈ સુધીનું ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ યુવાનો માટે પણ પ્રેરણાદાયક છે.
વિહાન ચેતરીયાને ટ્રેકિંગનો શોખ બાળપણથી જ છે, જે તેના પરિવારની પ્રેરણાથી વિકસ્યો છે. તેના પિતા ડો. ઉમેદ ચેતરીયા સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા હોય સાથે વર્ષોથી ટ્રેકિંગ સાથે જોડાયેલા છે. તેઓએ પોતાના ભાઈ સોમાત ચેતરીયા પાસેથી આ શોખ મેળવ્યો હતો. વિહાનની માતા દક્ષા ચેતરીયા પણ ટ્રેકિંગમાં સક્રિય રીતે જોડાય છે. આ રીતે આખા પરિવારનું સાહસિક વાતાવરણ વિહાન માટે પ્રેરણાસ્ત્રોત બન્યું. છ વર્ષની નાની વયથી જ વિહાન પોતાના પિતા સાથે દર વર્ષે ટ્રેકિંગ કરતો આવ્યો છે, જેના કારણે તે શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે નિર્ભય બન્યો છે.
વિહાનનો પરમ મિત્ર માનિત રાઠોડ પણ આ સાહસિક સફરમાં જોડાયો. વિહાને પોતાના મિત્રને ટ્રેકિંગ માટે પ્રેરિત કર્યો અને તેના આત્મવિશ્વાસમાં વધારો કર્યો. શરૂઆતમાં ટ્રેકિંગનો અનુભવ ન ધરાવતા માનિત માટે આ એક નવી અને પડકારજનક બાબત હતી, પરંતુ વિહાનની સાથે અને પ્રોત્સાહનથી તેણે પણ આ ચેલેન્જ સ્વીકારી. માનિતના પિતા નીતિન રાઠોડે પણ પોતાના પુત્રની ઈચ્છાને સમર્થન આપીને આ સફરમાં જોડાવાનું નક્કી કર્યું અને છેલ્લા બે વર્ષથી ટ્રેકિંગ શરૂ કર્યું. બંને બાળકો માટે તેમના પિતાઓનો સાથ સૌથી મોટો આધાર બન્યો.
કસોલ ટ્રેકિંગ: કુદરત વચ્ચેનો કઠિન સંઘર્ષ
24 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ચાલેલા આ 6 દિવસના ટ્રેકિંગ દરમિયાન બંને મિત્રોએ હિમાચલ પ્રદેશના કસોલ પર્વત પર 13,850 ફૂટ સુધીનો સફર પૂર્ણ કર્યો. આ સફર સહેલી નહોતી.
માઇનસ ડિગ્રી તાપમાન, બરફથી ઢંકાયેલા રસ્તાઓ, ઓક્સિજનની ઘટતી માત્રા, ઊંઘ અને ખોરાકની અછત જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે ટ્રેકિંગ કરવું એક મોટી પડકારજનક બાબત છે. ખાસ કરીને અંતિમ પડાવમાં તો બરફથી ઢંકાયેલ ટેન્ટમાં રહેવું પડતું હતું, જ્યાં આરામ પણ પૂરતો મળતો નહોતો.
તેમ છતાં, બંને બાળકો એ તમામ મુશ્કેલીઓને હિંમત અને ધીરજથી પાર કરી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા.
સામાન્ય રીતે આટલી નાની વયના બાળકોને આવી ઊંચાઈ પર ટ્રેકિંગ કરવાની મંજૂરી મળવી મુશ્કેલ હોય છે. પરંતુ વિહાનના પિતાએ સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને અને સંબંધિત એજન્સીઓને સમજાવીને શરતી મંજૂરી મેળવી. મંજૂરીમાં સ્પષ્ટ શરત હતી કે જો કોઈ પણ સમયે બાળકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બને તો તેમને તરત જ પાછા લાવવામાં આવશે. આ જવાબદારી વચ્ચે પણ બાળકોના આત્મવિશ્વાસ અને તૈયારીને કારણે તેમણે સફળતાપૂર્વક ટ્રેક પૂર્ણ કર્યો.
વિહાન માટે આ પ્રથમ ટ્રેકિંગ નહોતું. તે અગાઉ મનાલી ખાતે હામટા પાસ વિસ્તારમાં અંદાજે 11,000 ફૂટ સુધીનું ટ્રેકિંગ કરી ચૂક્યો છે. ઉપરાંત ગિરનાર, આભાપર અને બરડા જેવા પર્વતો પર પણ તેણે ટ્રેકિંગ કર્યું છે. આ તમામ અનુભવોએ તેને વધુ સજ્જ બનાવ્યો.
વિહાનના પિતા ડો. ઉમેદ ચેતરીયાએ જણાવ્યું કે આજના સમયમાં બાળકો વધુ સમય મોબાઇલ અને ટીવીમાં પસાર કરે છે, જે તેમની શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય નથી. આવી સાહસિક પ્રવૃત્તિઓ બાળકોને પ્રકૃતિ સાથે જોડે છે, તેમને સ્વસ્થ રાખે છે અને જીવનમાં પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. વાલીઓએ પોતાના બાળકોના રસ અને શોખને ઓળખીને તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ.
જામનગરની જાણિતા સંસ્થા ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત KMGIS સ્કૂલના આચાર્યા માધવી જોષી અને સ્પોર્ટ્સ કોચ અર્જુન સવજાણી તેમણે તેમના શિક્ષકોએ બંને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સિદ્ધિને બિરદાવ્યો. વિહાન અને માનિતે માત્ર પોતાનું નહીં પરંતુ પોતાના પરિવાર, શાળા અને જામનગર શહેરનું નામ પણ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
આ સમગ્ર સફર માત્ર એક ટ્રેકિંગ નથી, પરંતુ મિત્રતા, હિંમત અને સંકલ્પની જીવંત કહાની છે. બંને મિત્રોએ એકબીજાને પ્રોત્સાહન આપીને દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે, સાચી શક્તિ આત્મવિશ્વાસ અને હિંમતમાં છે. આ બંને નાનકડા સાહસિકોની આ સિદ્ધિ તમામ બાળકો અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.


