Tuesday, May 5, 2026
Homeરાજ્યજામનગરયાદવનગરમાં રૂ. 8.60 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ - VIDEO

યાદવનગરમાં રૂ. 8.60 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ – VIDEO

જામનગર એલ.સી.બી.ને મળી સફળતા

જામનગર શહેરના યાદવનગર વિસ્તારમાં બનેલી રૂ. 8.60 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. બનાવ સમયે મકાન માલિક પરિવારજનો સાથે વોટરપાર્કમાં ગયેલ હોય ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરે તાળા તોડી તિજોરીમાંથી રોકડ રકમ અને સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલ.સી.બી.એ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તપાસ અને બાતમીદારોના આધારે ઝડપી કાર્યવાહી કરી 19 વર્ષના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા શહેરમાં મિલકત વિરોધી ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા અને તેમની ટીમ પેટ્રોલિંગ તથા બાતમી એકત્રિત કરવાની કામગીરીમાં સક્રિય હતી.

- Advertisement -

તપાસ દરમિયાન યાદવનગર આહીર સમાજ નજીક રહેતા નારણભાઇ હમીરભાઇ કંડોરીયાના મકાનમાં થયેલ ચોરી અંગે માહિતી મળી હતી. ઉનાળાની ગરમીમાં પરિવારજનો વોટરપાર્ક ની મજા માણવા માટે ગયા હતા તેથી દિવસ દરમિયાન કેટલીક કલાક મકાનમાં તાળું હોવાનો તકનો લાભ લઈને સોનાની વીંટી ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરે મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી રૂ. 8,30,000/- રોકડ તેમજ સોનાની વીંટી મળી કુલ રૂ. 8,60,000/-નો મુદ્દામાલ ચોરી કર્યો હતો.

એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા. ટેકનિકલ તેમજ માનવ બાતમીના આધારે પોલીસને ચોક્કસ માહિતી મળી કે શની જેસીંગભાઇ કોળી આ ગુનામાં સંડોવાયેલો છે.

- Advertisement -

મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી આરોપી શની કોળીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 7,35,000/- રોકડ તથા રૂ. 30,000/- કિંમતની સોનાની વીંટી મળી કુલ રૂ. 7,65,000/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શની કોળી ઉંમર આશરે 19 વર્ષનો છે અને અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ તેની ક્રિમિનલ હિસ્ટ્રી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ ચાલુ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર સહિતના કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને જામનગર શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular