
તા. 15 મે થી દ્વારકાનો દરિયો તોફાની બનતા દરિયા અંદર માછીમારી કરવા જતા માછીમારોને દરિયા અંદર ન જવા આદેશ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં, દરિયા કિનારાની આજુબાજુમાં લોકોને ન્હાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દ્વારકાના દરિયા સાથે પવિત્ર ગોમતી નદી સંલગ્ન હોય, દ્વારકાની ગોમતીમાં પણ તેજ વહેણ થતું હોય છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો, શ્રદ્ધાળુઓને ગોમતી નદીમાં ન્હાવા પર સખ્ત મનાઈ કરવામાં આવી છે. અહીં ન્હાવા પર પ્રતિબંધ અંગેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં પણ અમુક લોકો અને તેમાં પણ ખાસ કરીને બહારગામથી અહીં આવતા શ્રદ્ધાળુઓને તેજ વહેણનો ખ્યાલ ન હોય, તેવા લોકો ન્હાવા પડતા અનેક વખત ડૂબવાના બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવો ગઈકાલે બનાવવા પામ્યો હતો.
પાટણ જિલ્લાના યાત્રિકો તાજેતરમાં પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હોય, ગઈકાલે બુધવારે બપોરે તેઓ ગોમતી નદીમાં ન્હાવા પડતા તે પૈકીના ત્રણ લોકો નદીના વહેણમાં તણાવવા લાગ્યા હતા. ત્રણ લોકો ડૂબવાના બનાવ બનતા ત્યાં ઉભેલા સ્થાનિક લોકો તેમને બચાવવા ગોમતી નદીમાં પડયા હતા. સ્થાનિક તરવૈયોની અથાગ મહેનતથી ત્રણ પૈકીના એક વ્યક્તિને બહાર કાઢવામાં તેમને સફળતા મળી હતી. જ્યારે અન્ય બે યુવાનો હાલ લાપતા થયા છે. ડૂબતા બચેલા યુવક હર્ષિલ પ્રકાશગીરી ગોસ્વામીને 108ની મદદથી દ્વારકા સરકારી હોસ્પિટલ સારવારઅર્થે ખસેડવામાં આવ્યો હતો. અન્ય બે વ્યક્તિઓ શૈલેષભાઈ ગોસ્વામી (ઉ.વ.27) અને ધ્રુમિલભાઈ ગોસ્વામી (ઉ.વ.16)ની ભાળ મેળવવા દ્વારકા સ્થાનિક તરવૈયાઓ, સ્કૂબા ડાઈવર્સ તેમજ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા બન્ને યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. લાપત્તા બનેલા બે પરિવારજનો મામા-ભાણેજ થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબતે તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી.