
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇકર્સ ગેંગને રેસિંગ અને સ્ટન્ટબાજી કરવી ભારે પડી છે. એક બાઇકચાલક બન્ને પગ ઉંચા કરી બાઇક ચલાવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાની સાથે ગંભીર ઇજાઓ થતાં જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. જે સમગ્ર મામલે પંચકોષી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત બાઇકર્સ ગેંગના અન્ય સાત બાઇકચાલકો સામે પોલીસે રેસિંગ અને સ્ટન્ટબાજી કરવાના ગુના સબબ શોધખોળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની વિગત જોઇએ તો જોગવડમાં રહેતા ટ્રકડ્રાઇવર મનુભાઇ હકુભાઇ ગોહિલએ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત્ 18મી મેના રોજ કેટલાક બાઇકચાલકો જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા નજીક દેવકૃપા હોટલ નજીક કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રેસિંગ અને સ્ટન્ટબાજી કરવામાં આવી રહી હતી. દરમ્યાન તેમાંના એક મોટરસાયકલ નંબર જીજે10-ઇએ-7550 નંબરના અજાણ્યા ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી પોતાની ટ્રક નંબર જીજે10-ઝેડ-5740ના પાછળના ભાગે જોરથી અથડાવતાં બાઇકચાલક રોડ નીચે પટકાતા તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકને નુકશાન થવા પામ્યું હતું. આ ઉપરાંત પંચકોષી ‘એ’ ડિવિઝનના એએસઆઇ નિર્મળસિંહ જાડેજાએ બાઇકર્સ ગેંગના સાત બાઇકચાલકો સામે પણ સ્ટન્ટબાજી, રેસિંગ તેમજ બાઇક પર સૂતા સૂતા રેસ લગાવવાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. બાઇકર્સ ગેંગ લૈયારા ગામે ઉર્ષમાં જવા એકસાથે રેસિંગ લગાવી તેમજ બાઇક પર સૂતા સૂતા બાઇક ચલાવી સ્ટન્ટ કરતા હોવાનો વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે એક બાઇકચાલક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. હાઇવે પર સ્ટન્ટ કરનારા બાઇકર્સ ગેંગના યુવાનો સામે પોલીસે કાર્યવાહી કરતાં સ્ટન્ટ કરવું ભારે પડયું છે. તેમજ એક યુવાન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
ફરિયાદ નોંધાતાની સાથે જ વાયરલ વિડિયોના આધારે પોલીસે બાઇકર્સ ગેંગના બાઇક નંબર ઉપરથી બે આરોપીને શોધી તેની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે અન્ય પાંચ આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે ચેતન રાજેશ પાડલિયા અને યાસીન કરીમ બાબવા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય પાંચ બાઇકર્સ ગેંગના બાઇક ચાલક ફરીદ અબ્બાસ ભડાલા, સુમિત શામજી સરવૈયા, જયેશ અશોક ગુજરાતી અને ચિરાગ રાજેશ પાડલિયાના નામ તપાસમાં ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે. ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત અંકિત મકવાણા હાલ જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.