જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર મધરાતે આશરે બે વાગ્યાના અરસામાં ચંગા રોડ વિસ્તારમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. એક કિયા કાર, પેસેન્જર ઓટોરિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં ત્રણેય વાહનોના ડુચા નીકળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઓટોરિક્ષા ચાલક સહિત બાઇક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે બાળકો સહિત 6 થી 7 વ્યક્તિઓને ઇજા પહોંચતા ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો લાલપુર નજીક આવેલા ભોળેશ્ર્વર મહાદેવના દર્શનાર્થે શ્રાવણ માસના ત્રીજા સોમવારે જઈ રહ્યા હતા, જેના કારણે આ માર્ગ પર રાત્રિના સમયે પણ વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી હતી. દરમિયાન વહેલી સવારે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી હતી. અકસ્માતની જાણ થતાં નજીકમાં સેવા કાર્યમાં જોડાયેલા કેટલાક સેવાભાવી યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જેઓની સાથે 108 ની અલગ અલગ 3 ટીમો પણ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગઈ હતી, અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીમાં મદદ કરી હતી.
View this post on Instagram
બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.જે. રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન રીક્ષા ચાલક ગુલાબચંદ માણેકચંદ બારોટ (ઉંમર વર્ષ 60)નું ગંભીર રીતે ઘાયલ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું છે. આ ઉપરાંત ડબલ સવારી બાઈક પર બેઠેલા જામનગરના બે યુવાનો નવીન શકુરભાઈ પઠાણ અને નોમાન હારુનભાઈ સમા કે જે બંને પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થવા હોવાથી તે બંનેના પણ સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત ત્રીપલ અકસ્માતના બનાવમાં ધારાબેન બારોટ (ઉંમર વર્ષ 40) આશી બારોટ (11 વર્ષ), અંજલી મોખરા (ઉંમર વર્ષ 10) ક્રિશ મોખરા (10 વર્ષ) ચંદ્રિકાબેન મોખરા (55), દર્શન બારોટ (13 વર્ષ) અને પરમ રાજેશભાઈ (15 વર્ષ) કે જે ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તમામને સારવાર આપવામાં આવી રહી છે. ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પંચકોષી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ અને તેઓની પોલીસ ટિમ દ્વારા અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી જવાબદાર હતી તે સહિતના મુદ્દે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


