મેઘપર ગામમાં મજૂરીકામ માટે રહેતાં મૂળ પંજાબના શ્રમિકના ઓરડામાં રૂમમેટ તરીકે રહેતાં શખ્સે મોબાઇલ ચોરી લીધા બાદ યુપીઆઇ એપ્લીકેશન ચાલુ કરી પોતાના તથા અન્યના ખાતામાં રૂપિયા 2,04,900ની રકમ ટ્રાન્સફર કરી નાખ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત મુજબ મેઘપર ગામમાં જૂનટેક પ્રાઇવેટ લિમિટેડના ભાડાના રૂમમાં રહેતા મૂળ પંજાબના ગુરદાસપુર જિલ્લાના જગતાલ મસિહ અને આરોપી પંજાબના તરણતારણ જિલ્લાના લવદુગલ બન્ને યુવાનો એકજ રૂમમાં વસવાટ કરતાં હતાં. આ દરમ્યાન ગત્ તા. 11ની રાત્રે આરોપી લવદુગલએ આરોપી જગતાલનો રૂા. 14,500ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો અને આ મોબાઇલમાંથી કોઇપણ રીતે યુપીઆઇ પેમેન્ટની એપ્લીકેશન ચાલુ કરી ફર્યિાદીના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બેન્ક એકાઉન્ટ નંબર સાથે જોડી બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ યુપીઆઇ ટ્રાન્જેકશન કરી રૂા. 2,04,900ની રકમ પોતાના તથા અજાણ્યા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.
આ અંગે જગતાલ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં લવદુગલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પીઆઇ એ. એલ. બારસિયા તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.


