જામનગર શહેર અને જિલ્લામાં હત્યા, હત્યાના પ્રયાસો, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે શનિવારે રાત્રિના સમયે સેતાવાડ વિસ્તારમાં બાળકોને રમવાની બાબતે દંપતિએ વૃદ્ધ સાથે ઉગ્ર બોલાચાલી કરી લાકડાંના ધોકા વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં વૃદ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના સેતાવાડ વિસ્તારમાં ગીગા મહેતાની શેરીની સામે, ધર્મના ડેલા પાસે રહેતાં સાદિક ઈબ્રાહિમ ચાકી (ઉ.વ.37) નામના યુવાનનો ભત્રીજો તેના ઘર પાસે રમતો હતો. ત્યારે બાજુમાં રહેતાં હવાબેને બાળક ઉપર મરચાંની ભુક્કી ઉડાડી બોલાચાલી કરી હતી. તે દરમ્યાન ઇબ્રાહિમભાઇ ચાકી નામના વૃદ્ધે આવીને હવાબેનને,”તમે નાના છોકરાઓને કેમ રમવાં નથી દેતાં? અને કેમ હેરાન કરો છો?” તેમ પૂછતાં હવાબેને, “હું તો હેરાન કરવાની જ છું.” તેમ કહી વૃદ્ધ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તે દરમ્યાન હવાબેનના પુત્ર અમન અસ્લમ ઘાંચી આવી પહોંચતા માએ દીકરાને કહ્યું, “અને પૂરો કરી દે.” તેમ કહેતાં અમને લાકડાંના ધોકા વડે ઇબ્રાહિમભાઇ સિદિકભાઇ ચાકી (ઉ.વ.આ. 64) નામના વૃદ્ધ ઉપર લાકડાંના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા ઇબ્રાહિમભાઇને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
View this post on Instagram
બનાવની જાણ થતાં પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્ર સાદિકના નિવેદનના આધારે માતા હવાબેન અને પુત્ર અમન વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


