Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરબાલાચડી બીચ પર ‘ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ’ અભિયાન: દરિયાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ -...

બાલાચડી બીચ પર ‘ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ’ અભિયાન: દરિયાને સ્વચ્છ રાખવાનો સંકલ્પ – VIDEO

ગણેશ વિસર્જનના સમયમાં દરિયાઈ પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે પણ લોકોને જાગૃત કરાયા

જામનગરના બાલાચડી બીચ ખાતે આજે સવારે ૮ વાગ્યે ‘ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન નેશનલ પાર્ક, જામનગર તથા ગુજરાત વન વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, પ્રકૃતિપ્રેમીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. દરિયાકાંઠાને સ્વચ્છ રાખવા સાથે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.

- Advertisement -

આ સફાઈ અભિયાનમાં મરીન નેશનલ પાર્ક, જામનગરના નાયબ વન સંરક્ષક કોટડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વધાસિયા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સ્કૂલના વિધાર્થીઓ, શિક્ષકગણ, વિવિધ સામાજિક સંસ્થાઓ, પ્રકૃતિપ્રેમીઓ તેમજ આસપાસના ગામોના આગેવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

- Advertisement -

અભિયાન દરમિયાન બાલાચડી બીચના દરિયાકાંઠે પડેલો પ્લાસ્ટિક, બોટલો, પેકિંગ સામગ્રી સહિતનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સ્વયંસેવકો દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરીથી દરિયાકિનારો સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. સાથે જ દરિયાઈ જીવો અને દરિયાઈ પર્યાવરણને પ્લાસ્ટિક તથા અન્ય કચરાથી થતા નુકસાન અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

- Advertisement -

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે દરિયાકાંઠે જતા હોય છે. ત્યારે વિસર્જન બાદ પૂજાની સામગ્રી, પ્લાસ્ટિક, થર્મોકોલ અથવા અન્ય કચરો દરિયામાં ન છોડાય અને દરિયાઈ પર્યાવરણને નુકસાન ન થાય તે અંગે લોકોને ખાસ સમજ આપવામાં આવી હતી. ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણની જવાબદારી નિભાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

દરિયાકાંઠાની સ્વચ્છતા માત્ર એક દિવસના સફાઈ અભિયાન પૂરતી સીમિત ન રહે પરંતુ લોકોમાં કાયમી જાગૃતિ આવે તે આ કાર્યક્રમનો મહત્વનો ઉદ્દેશ રહ્યો હતો. સ્વચ્છ દરિયો એટલે સુરક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિ અને સુંદર ભવિષ્ય—આ વિચાર સાથે વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત તમામ સહભાગીઓએ દરિયાઈ પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

મરીન નેશનલ પાર્ક અને વન વિભાગ દ્વારા આવા જનભાગીદારી આધારિત અભિયાનો મારફતે લોકોને દરિયા, દરિયાઈ જીવસૃષ્ટિ અને કુદરતી સંપદાની જાળવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. બાલાચડી બીચ પર યોજાયેલા આ અભિયાનમાં વન વિભાગ સાથે વિવિધ વર્ગોના લોકોની જોડાયેલી ભાગીદારીથી ‘દરિયો આપણો છે અને તેની સ્વચ્છતા પણ આપણી જવાબદારી છે’ એવો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular