જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા નજીક કચ્છથી દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જતા ત્રણ મહિલા પદયાત્રીકોને પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજયાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, મુળ સાંતલપુર તાલુકાના બપુત્રા ગામના વતની છાનુબેન બપુતરીયા, રુડીબેન બપુતરીયા અને સેજુબેન બપુતરીયા નામના મહિલાઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રા કરી જતા હતાં તે દરમિયાન આ પદયાત્રીકો આજે સવારે જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ બેફિકરાઈથી આવી રહેલા વાહનચાલકે ત્રણેય મહિલાઓને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતા જોડિયા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક બનાવસ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં પોલીસે ત્રણેય મૃતદેહોનો કબ્જો સંભાળી મૃતકોની ઓળખ મેળવી અને અકસ્માત બાદ પલાયત થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ઉલ્લેખનીય બાબત એ છે કે દેવભુમિ દ્વારકામાં ધુળેટીના તહેવાર દરમિયાન ફુલડોર ઉત્સવ માટે લાખો શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને દ્વારકાધીશના દર્શન કરવા જતા હોય છે અને હવે ધુળેટીના તહેવારને એક મહિનાનો સમય હોય જ્યારે આગામી દિવસોમાં પદયાત્રા કરી જતા શ્રધ્ધાળુઓએ અકસ્માતથી બચવા માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. કેમ કે દર વર્ષે દ્વારકાધીશ જતા પદયાત્રીકોના અકસ્માતમાં મોત નિપજવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે પદયાત્રા સમયે રેડિયમ, ટોર્ચ લાઈટ જેવા સાધનો પણ સાથે રાખવા જોઇએ. જેથી અકસ્માત મહદઅંશે અટકાવી શકાય.