આજના આધુનિક યુગમાં લોકો માન્યતાઓ અને કુરીવાજોમાંથી બહાર આવી રહ્યા છે. સમાજમાં ફેલાઈ રહેલા દુષણો સામે આંખ લાલ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઉત્તરપ્રદેશનો એક કિસ્સો સામે આવી રહ્યો હતો. જ્યાં સાસરીયાઓની દહેજની માંગ પુરી ન થતા એચઆઈવી સંક્રમિત ઈન્જેકશન અપાયું હતું.

ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક મહિલાએ તેના સાસરિયાઓ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પીડિતાએ જણાવ્યું કે સાસરિયાઓએ દહેજને માંગણી પુરી ન થતા તેને એચઆઈવી સંક્રમિત ઈન્જેકશન આપ્યું હતું. અને તેની હાલત ગંભીર બની ગઇ છે. ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ 307 ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.
પીડિત મહિલાના પિતાના જણાવ્યા અનુસાર પુત્રી સોનલના લગ્ન 15 ફેબ્રુઆરી 2023 ના ઉત્તરાખંડના હરિદ્વારના રહેવાસી અભિષેક સાથે થયા હતાં. ત્યારે ક્ષમતા કરતા વધુ રોકડ, ઘરેણા અને કાર દહેજમાં આપી. પરંતુ સાસરીયા નાખુશ થયા હતાં. પુત્રી પાસે સતત 25 લાખ રૂપિયા રોકડ રકમ અને વધારાની સ્કોર્પિયો કારની માંગણી કરતા હતાં. માંગ પુરી ન થતા સાસરીયાઓએ શારીરિક, માનસિક ત્રાસ આપ્યો હતો. પંચાયત બોલાવી પુત્રીને સાસરીયે પરત મોકલી હતી. પરંતુ ત્યારબાદ ત્યાં તેને રેન્ડમ દવાઓ આપવામાં આવતી તેમજ એચઆઈવી સંક્રમિત ઈન્જેકશન પણ અપાયું હતું. પુત્રીનો જીવ જોખમમાં મૂકાયો હતો. પુત્રીને તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ખબર પડી કે તેને એચઆઈવી પોઝિટીવ છે.
પીડિત પક્ષે ન્યાય માટે કોર્ટનો સંપર્ક કર્યો. અને કોર્ટના આદેશ બાદ સોનલના પતિ સહિત ચાર લોકો સામે કેસ નોંધાયો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.